Feeds:
Posts
Comments

Archive for the ‘વાર્તા’ Category

વ્રુદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના… મને એવો ડર જરીકે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી, કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ?

વ્રુદ્ધાવસ્થા સામે તમે કઈ દ્રશ્ટીએ જુઓ છો, તેનું ખુબ મહત્વ છે. તમારા જીવનના આંગણે તીથી આપીને આવનારો એ મહેમાન, તમારો જીગરજાન દોસ્ત પણ બની શકે; અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભીગમ પર છે, તમારા દ્રશ્ટીકોણ પર છે.  કોક વહેલી સવારે, અચાનક અરીસામાં જોતાં માથા પર હરતો ફરતો કોઈ સફેદ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દ્રશ્ટીકોણ  પર. તમારી માનસીક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વ્રુદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઉભા રહેશો. જીવનના મહામુલાં વર્શો ખરચીને આગણે આવેલી આ વ્રુદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.

ગુજરાતના એક સુપ્રસીદ્ધ સ્વર્ગસ્થ લેખકનો આ દાખલો છે. સદગત શ્રી રસિકભાઈ ઝવેરી ઈન્ગ્લેન્ડના પ્રવાસે જાય છે. લંડનની શેરીઓમાં ભટકતાં ભટકતાં એ અલગારી પ્રવાસી એક નાનકડી ગલીમાં પ્રવેશે છે. જ્યાં સામે નજરે પડે છે – એક કેશગુંફન તથા કેશસુશોભનની દુકાન. દુકાનમાં બેઠેલી બહેને એમને બોલાવ્યા એટલે કુતુહલવશ એ ત્યાં ગયા. પેલાં બહેન બોલ્યાં : ‘જુઓ મહાશય, તમારા વાળ ધોળા થઈ ગયા છે. તમે આ ખુરશીમાં બેસો, ઘડીકમાં હું આ તમારા ધોળા વાળને કાળાભમ્મર કરી દઈશ. મુંઝાશો નહીં, આ માટે તમારે કોઈ કીમ્મત ચુકવવી નહીં પડે. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે સામેથી હું તમને વાળ રંગવાની શીશી ભેટ આપીશ.’

ખુબી લેખકના જવાબમાં છે. એ સફેદ વાળ હેઠળ એક ગજબનું સ્વસ્થ વ્યક્તીત્વ બેઠેલું છે, તેનું ભાન આ જવાબમાં થાય છે. રસિકભાઈ કહે છે, ‘માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જીંદગીનાં મહામુલાં પચાસ પચાસ વર્શો ખરચ્યાં, તે આમ પાણીના મુલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !’

કાળા વાળનું સફેદ વાળમાં રુપાંતર એ કેવળ કોઈ સ્થુળ રુપાંતર નથી. આપણા કાન જો સાબદા હોય તો આ રુપાંતર કેવળ વાળનું નથી, આપણી વ્રુત્તીઓનું પણ છે. ભીતર કશુંક બદલાવા માંગે છે. અંદર કોઈ ક્રાંતી સર્જાવાની છે;  તેનો આ સળવળાટ છે, પણ આપણે આપણી દોડધામવાળી, કોલાહલભરેલી જીંદગીમાં અંદરના અવાજ, અંદરના સળવળાટ તરફ ધ્યાન આપવા નવરાં જ પડતાં નથી અને પછી ચાલતી રહે છે – ‘વો હી રફતાર બેઢંગી !’

શ્રી રસિકભાઈ ઝવેરીના આ જવાબમાં માનવના જીવનનું એક પરમ સુંદર સત્ય છુપાયેલું છે. વ્રુદ્ધાવસ્થા એ માનવજીવનને ઈશ્વર તરફથી મળેલો અભીશાપ નથી, બલકે વરદાન છે. જીવનની અત્યંત કીંમતી મુડી ખર્ચીને પ્રાપ્ત થતી એ કમાણી છે. એટલી વાત સાચી કે તે ચીંથરે વીંટ્યું રતન છે, પણ મોટા ભાગનાં લોકોનું એ રતન ધુળભેગું થઈ જતું હોય છે. ઘડપણ બહારથી ઉપલક દ્રશ્ટીએ તો, જેમ ચીંથરું જોવું ન ગમે, તેવી જીવનની અણગમતી ચીંથરેહાલ સ્થીતી જ છે. માથાના વાળ ધોળાભખ્ખ, ચામડી લબડી જાય, ઠેર ઠેર કરચલીઓ, મોઢું સાવ બોખલું અને પગ તો જાણે ગરબે ઘુમે ! પણ સવેળા ચેતી જવાયું હોય, અને સમગ્ર જીવન અંગેની સાચી સમજ કેળવાઈ હોય તો ઉપરનાં આ બધાં ચીંથરાં સરી પડે છે અને અંદરનું ઝળહળતું રતન ઝગમગી ઊઠે છે.

દીવસ-રાતના ચોવીસ કલાક, એમાં મોંસુઝણું થાય, આભા પ્રગટે, ઉશા આવે, પ્રભાત પ્રસરે, સુરજ ઉગે, સવાર પડે. સુરજ માથે ચઢે, બપોર થાય, વળી પાછું મધ્યાહ્ન થાય અને સલુણી સંધ્યા અને સમીસાંજ પ્રગટે; અને પછી રાત, મધરાત અને પાછું પરોઢ ! દીવસ-રાતના આ એકએક સમયનું – કાળખંડનું પોતાનું એક આગવું સૌંદર્ય છે!

પ્રત્યેકનો એક આગવો આનંદ હોય છે. આવું જ જીવનનું ! શું શીશુઅવસ્થા, શું બાળપણ, કીશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે શું ઘડપણ ! દરેક અવસ્થાને પોતાનું સૌંદર્ય અને પોતપોતાની સમસ્યાઓ હોય છે. સમસ્યાઓ હોવી એ કાંઈ જીવનઘાતી વસ્તુ નથી. એ તો જીવનનો પડકાર છે. સમસ્યાઓને કારણે જીવનના ઉંડાણ અને સૌંદર્યો ખુલતાં હોય છે. વ્રુદ્ધાવસ્થામાં કદાચ સમસ્યાઓ વધારે હશે અને એ સમસ્યાઓના ઉકેલમાં જ એનો આનંદ અને સર્જકતા માટે વધારે અવકાશ ભર્યો પડ્યો છે.

આપણામાંનાં મોટાભાગનાં લોકોએ શ્રી રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિન્દ કે વિનોબાને વૃદ્ધાવસ્થામાં જોયા ન હોય, પણ એમની તસ્વીર તો મોટાભાગનાં લોકોએ જોઈ હશે ! ગુરુદેવની એ વયોવૃદ્ધ છબી કેટલી મનોહર છે!  માથાના રુપેરી વાળ જાણે એમના સૌંદર્યની વસંત બનીને ફરફરે છે ! એમની આંખોનું તેજ ! ચહેરા પર સ્મીતમાં તો જાણે ત્રણેય ભુવનનો આનંદ ઘુંટાઈ ઘુંટાઈને કાલવાયો ન હોય!  ક્યાંથી પ્રગટ્યું આ સૌંદર્ય !

વિનોબાની 85 વર્ષની વયે ચામડી જુઓ, જાણે હમણાં જ તાજા જન્મેલા બાળકની સ્નીગ્ધ સુંવાળી, માખણ જેવી મ્રુદુ ચામડી ! શું આ મહાનુભાવો કોઈ બ્યુટી પાર્લર (સૌંદર્ય પ્રસાધન કેન્દ્ર) માં જઈ કોઈ પાવડર, ક્રીમ કે કોસ્મેટીક લઈ આવતા હશે ? શું છે આ સૌંદર્યનું રહસ્ય ?

રહસ્ય છે – જીવન અંગેની સમજ ! સાચી સમજણમાંથી જ જીવનનું સાચું સૌંદર્ય અને સાચું શીલ પ્રગટી ઉઠે છે ! અને આપણા દેશની ખુબી તો જુઓ ! અંગ્રેજીમાં ઘરડા માણસને કહેશે ‘ધ ઓલ્ડ મેન’ – જુનો માણસ. જ્યારે ભારતીય ભાશા એને કહે છે – ‘વૃદ્ધ !’ આ ખખડી ગયેલા દેહવાળો મનુશ્ય જુનો મનુશ્ય નથી. એ તો વ્રુદ્ધ છે. વ્રુધ્ધી પામેલો અને વળી સતત વ્રુધ્ધી પામનારો, નીત્યનુતન, નીત્યવર્ધમાન વ્રુધ્ધ છે.  શું આ વ્રુધ્ધાવસ્થાના ટોપલામાં કેવળ વર્ષોનો ઢગલો જ ભરેલો છે ?

જી નહીં, એમાં તો છે જીવનનો અમુલ્ય અનુભવ ! ભાતભાતના અનુભવોથી સીંચાઈને પ્રાણવંત બનેલા જ્ઞાનના તાણા અને જીવનની આકરી તાવણીમાંથી અણીશુદ્ધ તવાઈ, તવાઈને બહાર નીકળેલા તપના વાણાથી વણાયેલી જીવનની આ ચાદર છે. વ્રુધ્ધના પ્રત્યેક સફેદ વાળમાં અને એના દેહ પર પડતી પ્રત્યેક કરચલીમાં વીતેલાં વર્શોનો એક ઈતીહાસ છુપાયો છે.  જીવાયેલા શ્વાસોછ્વાસનો  ધબકાર ગોપાયો છે.  જીવનમાં કેટલાંક શાશ્વત સત્યોને આત્મસાત કરી પાલવમાં સંતાડીને આ વ્રુધ્ધાવસ્થા આવતી હોય છે. વ્રુધ્ધાવસ્થામાં પ્રગટતી શરીરની ક્ષીણતા એક પલ્લામાં મુકો અને બીજા પલ્લામાં જીવનભરના અનુભવોનું ભાથું મૂકો; તો બીજું પલ્લું નમી જશે.

આમ વ્રુધ્ધાવસ્થા એ તો જીવનની વ્રુધ્ધી સમ્રુધ્ધી અને સીધ્ધીનો સંકેત છે. વ્રુધ્ધાવસ્થા એટલે કેવળ વર્શોનો, ક્ષણોનો સરવાળો નથી, એ તો પશુજીવનમાં પણ થાય છે. પણ માનવીની વ્રુધ્ધાવસ્થામાં તો ક્ષણોની સાથોસાથ જીવનભરના જ્ઞાન, અનુભવ, તપ, સ્નેહ, સેવા અને સુજનતાના સરવાળા થતા હોય છે.

આનો અનુભવ આપણને વનસ્પતીસ્રુશ્ટીમાં પણ થાય છે. આંબાની જ વાત કરીએ. લીલીછમ્મ કાચી કેરી ખાટી લાગશે. કોઈને માથામાં મારો તો લોહીની ધાર છુટી જાય તેવી સખત હોય છે, પણ એ જ લીલીછમ્મ કેરી જ્યારે પાકટ બનીને સોનેરી થાય ત્યાર પછીના તેના રસની મધુરતાને કોની સાથે સરખાવી શકીશું ? જાણે પ્રુથ્વી પરનું અમૃત! તો આંબો જો વયોવ્રુદ્ધ થઈને આવો અમ્રુતરસ રેલાવી શકે તો મનુશ્યમાં તો વીશેશ ચૈતન્ય
પ્રગટે છે ! જીવનના આંબાવાડીયામાં વ્રુધ્ધાવસ્થા આવે તો કેવળ મીઠોમધ મધુર રસ રેલાવવા માટે જ આવે. માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુધ્ધી, ચીત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. વ્રુધ્ધાવસ્થામાં બહારનો સ્થુળ દેહ ખખડી જાય છે, પણ જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નીમાંથી પસાર થયેલા સુવર્ણની
જેમ વ્રુધ્ધ માણસનું આંતરીક વ્યક્તીત્વ ઝળહળી ઉઠે છે.

આમ વ્રુધ્ધાવસ્થા અંગેની આવી સાચી, સ્વસ્થ પાકટ સમજ કેળવવી –  તે બની જાય છે પુર્વતૈયારી. મોટાભાગના લોકો માટે વ્રુધ્ધાવસ્થા એ પોતાના સમસ્ત જીવનના ફળરુપે, પરીપાકરુપે, આવી મળેલું પરીણામ છે, નીશ્પત્તી છે. પુર્વજન્મનાં કર્મો, ટેવો, વ્રુત્તીઓ, વલણો જેવાં હશે તે મુજબની વ્રુધ્ધાવસ્થા ઘડાતી આવે છે.  એટલે જ વ્રુધ્ધાવસ્થાનું સમસ્ત સૌંદર્ય પ્રગટ થાય એ માટે પુર્વજીવનમાં થોડો
અભ્યાસ થાય, થોડું ઘરકામ (હોમવર્ક) થાય એ જરૂરી છે. વ્રુધ્ધાવસ્થામાં માથે ચમકતા રુપેરી વાળની પોતાની એક સુંદર અને પવીત્ર સ્રુશ્ટી છે. એ રુપેરી વાળ હેઠળના મસ્તીશ્કમાં એક ભવ્ય હીમાલય સર્જી શકાય છે. જ્યાંથી સૌને પાવન કરનારી પુણ્યસલીલા ગંગા વહી શકે.

Read Full Post »

જુલાઇના આરંભના દિવસો હતા. સેન્ટ્રલ આફ્રિકાનાં ગાઢ જંગલોને અડીને આવેલા એક નાનકડા શહેરના એક બેઠા ઘાટના મકાનમાં એક ભયંકર ખૂની ખેલ ભજવાઇ રહ્યો હતો. હબસી બાળકોના સ્વાસ્થ્ય સંબંધમાં રિસર્ચ વર્ક કરતો બત્રીસ વર્ષનો અમેરિકન પુરુષ નામે પીટર એના ડ્રોઇંગરૂમમાં બેઠો હતો, ત્યાં એની ખૂબસૂરત યુવાન પત્ની નેન્સી ઉમળકાભેર ધસી આવી અને એને વળગી પડી.

‘ડિયર, હું આ ગઇ અને આ આવી! થોડુંક શોપિંગ કરવું જરૂરી છે. મને ખબર છે કે તું મારા વગર એક મિનિટ પણ રહી શકતો નથી, પણ શું કરું? જવું જરૂરી છે. ટેક કેર…’ પછી ‘પાર્ટિંગ કિસ’ આપતાં નેન્સી મનોમન બબડી ઊઠી, ‘બસ, હવે તારી જિંદગીના બહુ જૂજ દિવસો બાકી બરયા છે. અત્યારે ભલે તું મારા વિના રહી ન શકતો હોય, પણ મર્યા પછી ઉપર તો તારે એકલા જ રહેવાનું છે.’

‘મારે પણ એકાદ કલાક માટે બહાર જવું પડે તેમ છે, હની! એકાદ જૂના ફ્રેન્ડના ઘરે જઇને મૈત્રીની હૂંફ મેળવી આવું. ટેક કેર, ડાર્લિંગ…’ પછી નેન્સીના લીસ્સા, ઉત્તેજક ઓષ્ઠ ચૂમતાં એ પણ મનોમન બબડી રહ્યો, ‘હું મારા વનસ્પતિ નિષ્ણાત મિત્ર પાસેથી મારા માટે દોસ્તીની ઉષ્મા અને તારા માટે મોતની ટાઢક માગતો આવું છું. સા… બેવફા નાગણ…! તું શું એમ સમજે છે કે મને તારા લફરા વિશે કશી ખબર નથી? તને તો એવા મોતે મારવાનો છું કે ઉપર ગયા પછી નર્ક પણ તમે મીઠું લાગશે.’

પીટર અને નેન્સી એકબીજાને ભારત-પાકિસ્તાનની જેમ નફરત કરતાં હતાં અને જાહેરમાં લયલા-મજનૂની જેમ ચાહતાં હતાં. ખરેખર તો પ્રેમ કરવાનો અદ્ભુત અભિનય કરતાં હતાં. લગ્નજીવનનાં પાંચ વર્ષ તો પસાર થઇ ચૂકયાં હતાં, બાકીનાં વર્ષોપણ આમ ને આમ જ પસાર થઇ ગયાં હોત, પણ વરચે બે નાનકડી ઘટનાઓ એવી બની ગઇ કે પતિ-પત્ની વરચેનો સાચો પ્રેમ ઊડી ગયો અને દંભની દુર્ગંધ પાછળ છોડતો ગયો.

ઘટના પહેલી. નેન્સી એક વર્ષ પહેલાં પીટરને પૂછ્યા વગર એકલી જઇને પોતાની જિંદગીનો પચાસ હજાર પાઉન્ડનો ઇન્સ્યુરન્સ ઉતારી આવી. આ વાત જયારે પીટરે જાણી ત્યારે શરૂમાં તો એને ગુસ્સો આવ્યો, ‘પ્રીમિયમની આટલી મોટી રકમ કોણ ભરશે? તારો બાપ?’ જવાબમાં ગરમાગરમી થઇ ગઇ. નેન્સીએ પોતાનું અપમાન કરવા બદલ અદાલતમાં જવાની ધમકી આપી. પીટર ઠંડો પડી ગયો, પણ એ ક્ષણથી જ એના દિમાગમાં એક કુટિલ કાવતરું વળ ખાવા માંડયું, એક વર્ષ પૂરું થવા દે, પછી જોજે કે આ વીમાની રકમ કોને મળે છે! પછી તો તારા કરતાંયે નાની અને વધારે રૂપાળી છોકરી ન શોધી કાઢું તો મને ‘ફટ’ કહેજે!

ઘટના બીજી. બે મહિના પહેલાં નેન્સીની ઓળખાણ વીલી સાથે થઇ, જે એક ઝૂનો સંચાલક હતો, ‘અરે, સ્વીટી! તારા જેવી સુંદરીએ તો મારી પત્ની થવા જેવું હતું. મારી પાસે અઢળક પૈસો છે.’

નેન્સીએ ત્યારે જ નિર્ણય કરી લીધો હતો, ‘જો સમયનો સાથ મળી રહેશે, તો એ ઇરછા પણ પૂરી થઇ જશે.’

શોપિંગનું બહાનું કાઢીને બહાર નીકળેલો પીટર સીધો એના મિત્રને મળવા પહોંચી ગયો. મિત્ર વનસ્પતિશાસ્ત્રનો નિષ્ણાંત હતો અને એ સમયે નોકરી ઉપર જ હાજર હતો.

‘હાય, મેક!’

‘અરે પીટર! ઘણા દિવસે દેખાયો ને કંઇ! આવ…’ હાથમાં રહેલા એક દુર્લભ છોડને ટેબલ પર મૂકીને મેકે મિત્રને આવકાર્યો. મેક નખશિષ વૈજ્ઞાનિક હતો. વનસ્પતિશાસ્ત્રના વિષયમાં એની ગણના વિશ્વના ટોચના જાણકારોમાં થતી હતી. પીટરની નજર મેકના ટેબલ ઉપર પડેલાં જાતજાતનાં પર્ણો, ડાળખીઓ અને નાનાં-મોટાં ફળો ઉપર પડી. એણે એક રૂપાળું પાકું ફળ પકડવા માટે હાથ લંબાવ્યો, ‘આ કયું ફળ છે, મેક?’

મેક બરાડી ઊઠયો, ‘હાં… હાં…! ડોન્ટ ટચ ઇટ, માય ફ્રેન્ડ! એ દુનિયાનું સૌથી ઝેરી ફળ ગણાય છે. એનું બોટોનિકલ નામ ‘ન્યૂમોફોરા એમેઝોના’ છે, પણ સામાન્ય રીતે તે ‘ડેથ મેસેન્જર’ના નામે જગવિખ્યાત છે. આ છોડની એક ડાળખી ઉપર પાંચ ફળો બેસે છે. એના એક ફળમાં એટલું કાતીલ ઝેર સમાયેલું હોય છે, જે એક હજાર માણસોને મારી નાખવા માટે પૂરતું હોય છે.’

‘એમ?!’ પીટરને આ ફળમાં જબરદસ્ત રસ પડયો, પણ એણે કળાવા ન દીધો. થોડી વાર ઇધર-ઉધરની વાતો ચાલતી રહી. અચાનક મેક ઊભો થયો, ‘યુ વેઇટ ફોર એ મિનિટ! હું જરા લેબમાં જઇને આવું છું.’ હવે ઓફિસમાં થોડી વાર માટે પીટર એકલો પડયો. એની આંખો સામે મોતના સંદેશવાહક જેવું ફળ પડેલું હતું અને વિચારોમાં એક ખતરનાક કાવતરું આકાર પામતું જતું હતું.

પીટરે ઝડપથી એનો હાથરૂમાલ કાઢયો. ટેબલ પર પડેલાં પાંચ ફળોમાંથી એક જે મઘ્યમ કદનું હતું એને રૂમાલમાં પકડીને, વીંટાળીને ખિસ્સામાં સરકાવી દીધું. થોડી જ વારમાં મેક પાછો આવ્યો. બંને મિત્રોએ કોફી પીધી. પછી પીટરે વિદાય લીધી.

બરાબર એ સમયે નેન્સી એના પ્રેમી વીલીની સાથે બેઠેલી હતી, ‘વીલી, ડિયર! આ પીટરનું કંઇક કર. હવે એની સાથે એક દિવસ પણ કાઢવો મારા માટે અસહ્ય બનતું જાય છે.’

‘એમાં કઇ મોટી વાત છે? તારા પીટરને જંગલમાં પિકનિક માટે લઇ જા! આફ્રિકાનાં ગીચ જંગલોની વરચે પયટર્કોને રહેવા માટે છૂટીછવાઇ ઝૂંપડીઓ ઊભી કરવામાં આવેલ છે. ત્યાં રહી આવો એક રાત…’

‘એક રાતમાં શું થવાનું હતું, વીલી?’

‘રાત તો બહુ લાંબી હોય છે, નેન્સી, પીટરનો જીવ લેવા માટે તો એક ક્ષણ જ બહુ થઇ પડશે.’

‘જીવ? પીટરનો? એક ક્ષણમાં?’

‘હા, બધી વ્યવસ્થા હું કરી લઇશ. તમારી ‘હટ’માં એક નાનું રસોડું હશે. ત્યાં એક ટોપલીમાં એક ખૂંખાર ઝેરી સાપ સંતાયેલો હશે. એટલો ઝેરી કે એના એક જ દંશમાં દસ વિશાળકાય હાથીઓને મારી નાખવાની ક્ષમતા હોય. તારે માત્ર એટલું જ કરવાનું કે મધરાતે તારા પતિને ગમે તે બહાને કિચનમાં મોકલી આપવાનો! બસ, એ પછી એક મહિનાની અંદર તું મિસિસ વિલિયમ બની ગઇ હોઇશ.’ આટલું બોલીને વીલી નેન્સીને વળગી પડયો. નેન્સી વિચારી રહી હતી કે પોતાના પતિને પિકનિક ઉપર જવા માટે રાજી શી રીતે કરવો! અને વિલિયમ વિચારી રહ્યો હતો કે એના ઝૂમાં સૌથી વધારે કાતિલ વિષ ધરાવતો સાપ કયો હશે!

‘ઓહ! હું તો થાકી ગઇ, પીટર! પણ મઝા પણ એટલી જ આવી. જંગલો આટલાં સુંદર હોતાં હશે એ વાતની તો મેં કલ્પના પણ કરી ન હતી.’ નેન્સીએ પીટરના ખભે માથું ઢાળીને રોમેન્ટિક અદાથી કહ્યું. આખો દિવસ જંગલમાં રઝળપાટ કર્યા પછી ખરેખર બંને જણાં બેહદ થાકી ગયાં હતાં.

‘લાવ, હું તને ઊચકી લઉ!’ કહીને પીટરે નેન્સીને પોતાના મજબૂત હાથોમાં ઉઠાવી લીધી. એમની ‘હટ’ પચાસેક ફીટ જેટલી છેટી હતી. એ જ સ્થિતિમાં પત્નીને ચુંબનોથી નવડાવતો પીટર મંજિલ સુધી લઇ ગયો. સાંજ ઢળી ચૂકી હતી. નેન્સી સીધી પથારીમાં ઢળી પડી.

‘તારે જમવું નથી, ડાર્લિંગ?’ પીટરે બનાવટી પ્રેમથી પૂછી લીધું.

‘ભૂખ તો લાગી છે, પણ ઊંઘ બહુ આવે છે. રાત્રે જાગીશ ત્યારે કંઇક ખાઇ લઇશ…’ પત્નીનાં વાકયોથી પીટરને બત્રીસે કોઠે ટાઢક થઇ ગઇ.

‘હાશ!’ એ બબડયો, ‘રાત્રે એને ભૂખ લાગશે એ એની જિંદગીની આખરી ભૂખ હશે. જગતનું સૌથી વધુ કાતીલ ફળ નેન્સીની ભૂખને પણ મિટાવી દેશે… અને સાથે-સાથે નેન્સીને પણ…’ અને બનાવટી ઊંઘમાં સરી પડેલી નેન્સીને પ્રતીક્ષા હતી મધરાતના સમયે પીટરના ગળામાંથી ઊઠેલી એક મરણ ચીસની…!

એકમેકને ભયંકર હદે નફરત કરતાં પતિ-પત્ની એકબીજાના શરીરને આલિંગીને બનાવટી પ્રેમનો સચોટ અભિનય કરી રહ્યા.

રાતના બાર વાગ્યા હશે, ત્યાં નેન્સીની ‘નીંદર’ તૂટી, ‘પીટર ડિયર, આઇ એમ સો હંગ્રી… મારે કંઇક ખાવું પડશે.. વિલ યુ પ્લીઝ મેનેજ ફોર સમથિંગ ટુ ઇટ?’ નેન્સીએ એના ગળામાંથી સેકસી અવાજ કાઢીને પીટરને રસોડામાં જવા માટે મજબૂર કર્યો. પીટર પણ આ જ મોકાની વાટ જોઇને જાગતો ‘ઊંઘી’ રહ્ય હતો. એ બાગસું ખાતો, આંખો ચોળતો ઊભો થયો. નેન્સી શ્વાસ થંભાવીને પથારીમાં બેસી રહી હતી. પીટર રસોડામાં ગયો. એના હાથમાં ટોર્ચ હતી. એના પ્રકાશમાં એણે ફળોની ટોપલી તરફ હાથ લંબાવ્યો. અને…!

એક ભયાનક ચીસથી મધરાતનું જંગલ ચિરાઇ ગયું. નેન્સી હર્ષની મારી રસોડા તરફ દોડી ગઇ. એના આશ્ચર્ય વરચે પીટર ટોપલીની પાસે જ ઊભેલો હતો. એ હજુ પણ ચીસો પર ચીસો પાડી રહ્યો હતો. નેન્સીએ જોયું તો ફળોની ટોપલી ખાલી હતી.. અને જમીન ઉપર પંદરેક ફીટ લાંબો સાપ મરેલો પડયો હતો! નેન્સી પતિને વળગી પડી, ‘ઓહ ડિયર! તને કંઇ થઇ ગયું હોત તો મારું શું થાત!’ પીટરે ફરી પાછી બનાવટી ચુંબનથી એને નવડાવી નાખી, ‘મને કંઇ નહીં થાય, નેન્સી! ભગવાન આપણને કયારેય જુદાં નહીં થવા દે. ’ એને ખબર છે કે હું તને કેટલો બધો પ્રેમ કરું છું! આઇ લવ યુ, નેન્સી, આઇ લવ યુ!’

Read Full Post »

રાગના અકસ્માતની સૌથી પહેલી જાણ તો વિશેજ્ઞાને થઇ હતી એમ કહી શકાય. ચાલુ વાતે મોબાઇલ ફંગોળાઇ મોટા અવાજ પછી અટકી ગયો હતો.

ચ હેરો છોલાઇને ખરબચડો થઇ ગયો હતો. એક ક્ષણ પણ નજર નાખી ન શકાય તેવી કુરૂપતા સર્જાઇ હતી. રાગ પોતાનો જ ચહેરો અરીસામાં જોઇ શક્યો ન હતો. અરીસાનો રીતસરનો ઘા કરી દીધો હતો. પોતે જ પોતાનો ચહેરો જોઇ સહન કરી શકે નહીં પછી સામેના પાત્રને કહેવાનું શું!?રાગ ચાલુ બાઇકે ખભા અને કાન વચ્ચે મોબાઇલ દબાવીને વાત કરતો હતો. પાછળથી કોઇ વાહન ટક્કર મારી નીકળી ગયું હતું. ૧૦૮ની ઇમરજન્સી સેવાના લીધે તે બચી ગયો હતો, પણ સ્માર્ટ ચહેરાનો નકશો બદલાઇ, તેની ઓળખ ભૂંસાઇ ગઇ હતી.

રાગના સાજા થવાની ચિંતા ટળી છે પણ તેની વાગ્દતા વિશેજ્ઞાની ચિંતા સામે આવીને ઊભી રહી છે, કારણ કે તેને તો રાગનું આવું કુરૂપ જોતાં જ ચક્કર આવી ગયાં હતાં, બેભાન જેવી થઇ ગઇ હતી. હવે સવાલ સામે આવ્યો હતો કે જે યુવતી પળાર્ધ માટે પણ કુરૂપતાને સહન કરવા સમર્થ ન હોય તેના પર જીવનભર આવું પાત્ર ઠોકી કેમ બેસાડાય? સૌ કોઇના ગળે ઊતરે તેવી વાત છે, પણ લગ્નની તારીખ એડવાન્સમાં નક્કી થઇ ગઇ છે. આજે તુલસી વિવાહ થઇ જાય એટલે કંકોતરી છપાવવાની છે, સઘળી પરંપરાઓ નિભાવવાની શરૂ થવાની છે. ત્યાં આવું બન્યું… બંને પક્ષે ભારે અવઢવ છે.

એ વખતે મોબાઇલ પર વાત તો વિશેજ્ઞા સાથે જ ચાલતી હતી. પણ યંત્ર, તંત્ર અને મંત્રનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે. નહીંતર વિનાશને નોતરવાની તૈયારી રાખવી પડે. ક્યા સાધનનો ક્યા સમયે, કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ તેની સૂઝ-સમજ યુવા પેઢીમાં ઓછી નથી, પણ ઊછળતું લોહી હંમેશાં સામા પૂરે ચાલતું હોય છે. રાગ અને વિશેજ્ઞા કોઇ કંપનીમાં ટોક ટાઇમ ફ્રી સ્કીમનો ઉપયોગ કરતાં હતાં. સ્કીમ ફ્રી છે પણ જીવનની એકપણ ક્ષણ ફ્રી કે ફાલતુ નથી.

આપણે જીવવા માટે ખાઇએ છીએ, ખાવા માટે નથી જીવતાં. એમ આવી સુવિધાઓ જીવનને સરળ, સંગીન અને રંગીન બનાવવા માટે હોય છે, નહીં કે તેનો બિનજરૂરી ઉપયોગ કરી, જીવનને આમ હોડમાં મૂકવા માટે!રાગના અકસ્માતની સૌથી પહેલી જાણ તો વિશેજ્ઞાને થઇ હતી એમ કહી શકાય. ચાલુ વાતે મોબાઇલ ફંગોળાઇ મોટા અવાજ પછી અટકી ગયો હતો. વિશેજ્ઞાને હતું કે પોતાની માગણીઓના લીધે ગુસ્સામાં આવી મોબાઇલનો ઘા કર્યો છે! કારણ કે લાગણીના રેપરમાં માગણીઓ માઝા મૂકવા લાગી હતી.

પ્રેમના પ્રભાવ તળે અધિકારભાવનો અતિરેક થવા લાગ્યો હતો. માગણીનો ક્યારેય અંત આવતો હોતો નથી. માગણી માણસને તુચ્છ અને મામૂલી બનાવી દે છે. અહીં તો હઠાગ્રહ પણ ભારે બળુકો હતો. વળી સૂતરના તાંતણા જેવા આ સંબંધોમાં પોતે સારા અને સાચા જ છે તેવું સાબિત કરવાના પણ ભારે ધમપછાડા થતા હોય છે. તેમાં હૂંસાતૂંસી અને રકઝક તો સામાન્ય થઇ જાય છે. વિશેજ્ઞા અને રાગ વચ્ચે આવું જ કંઇક ચાલતું હતું, રાગ બેધ્યાન થયો અને કારમો અકસ્માત સર્જાયો હતો.

સુખી-સંપન્ન પરિવારનો રાગ એકનો એક પુત્ર છે. તેના પપ્પા સારી પોસ્ટ પર છે. આવકના આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સ્થાવર મિલકત જ એટલી ઊભી કરી છે કે તેની આવકમાંથી જ રાગ લહેર કરી શકે તેમ છે. યુવાન રાગને કન્યા પસંદ કરવામાં બે-અઢી વરસનો સમય નીકળી ગયો હતો. પોતાની અને પરિવારની અપેક્ષા મુજબની કન્યા વિશેજ્ઞા પર પસંદગીની મહોર મારવામાં આવી હતી. એક જ દીકરો અને પૈસાનો કોઇ પાર નહીં તેથી પ્રતિષ્ઠાને પરાકાષ્ઠાએ પહોંચાડવા, લગ્નમાં એક પણ બાબતની કમી ન રહે તેની પૂરતી કાળજી સાથે તૈયારીઓ થઇ ગઇ હતી.

ન્યુ કન્સેપ્ટ પ્રમાણે આખા મેરેજ કોન્ટ્રેકટ થઇ ગયા હતા. ત્યાં આવું બનીને ઊભું રહ્યું. તેમાં પસંદગીનું પાત્ર જ પ્રશ્નાર્થ પેદા કરીને પેશ થયું હતું. વિશેજ્ઞા બીજી વખત હોસ્પિટલમાં આવવાની હિંમત જ કરી શકી નથી. તેને ભારે આઘાત લાગ્યો છે, તે કોઇ સંજોગોમાં પોતાના પાત્રની કુરૂપ સ્થિતિ જોઇ શકે તેમ નથી. યંગસ્ટરમાં આવું ખાસ બને છે. કારણ કે તેણે મનમાં એક રંગીન દુનિયા ઊભી કરી હોય છે, તેમાં કલ્પનાની રંગોળી પૂરી, અવનવાં સ્વપ્ન જોયાં હોય છે અને જ્યારે સ્વપ્ન તૂટે ત્યારે આઘાત અનુભવે છે. વિશેજ્ઞા તો એક જ વાતનું રટણ કરે છે, મારી સાથે જ આવું કેમ બન્યું? પછી કહે છે: ‘હું જે ચહેરા પર નજર પણ નાખી શકતી નથી, સહન કરી શકતી નથી તેને જીવનભર કેમ જીરવી શકું!?’ વાત વડીલો માટે પણ વિચારણા માગી લે તેવી હતી. વળી મગ-ચોખા ભળ્યા નહોતા, મેરેજ થયા નહોતાં એટલે છુટ્ટા પાડવાનું સરળ હતું.

વિશેજ્ઞાને હું હવે ગમતો નથી તેવો રાગને ખ્યાલ આવી ગયો હતો. પોતે દસ કરતાં વધારે છોકરીઓને નાપસંદ કરી ચૂક્યો છે. હવે સમજાય છે કે, નાપસંદ કર્યા પછી છોકરી પર શું વીતતી હશે? વ્યક્તિ જ્યારે બીજા પાત્રની પીડાને પામતો અને સમજતો થાય તો જગતનાં ઘણાં દુ:ખ અને સવાલો ઓગળીને ઓછા થઇ જાય.

ભાગ્ય પર દોષનો ટોપલો ઢોળી સઘળું વિખરાઇ ગયું. રાગને જીવન અને જગતનું સત્ય સમજાઇ ગયું. હવે તેને મૌન બની સઘળું જોવાનું જ હતું.સાંજના સમયે રાગની પાસે એક યુવતી આવીને ઊભી રહી. બંનેની નજરો એકબીજામાં અટવાઇ. ત્યાં યુવતીએ જ કહ્યું: ‘આપણે અજાણ્યાં નથી, એકબીજાને સારી રીતે મળી ચૂક્યાં છીએ!’ રાગ થોડો ડઘાઇ ગયો. તેથી કશું બોલી શક્યો નહીં. અકળ મૌન તળે સમય પસાર થતો રહ્યો.

‘રાગ…!’ યુવતીએ આગળ ચાલીને કહ્યું: ‘તમે મને જોવા આવ્યા હતા ત્યારે પણ પસંદ હતા અને આજે પણ એટલા જ પસંદ છો!’ રાગ માટે તો આ કલ્પનાતીત ઘટના હતી. મોં વકાસીને તેની સામે જ જોતો રહ્યો.‘તમારા ઐશ્વર્યનું અભિમાન ઊતર્યું હોય તો… આઇ એમ રેડી.’હજુ તો રાગ કંઇ કહે તે પહેલાં જ યુવતીની પાછળ ઊભેલાં તેનાં મમ્મીનો અવાજ આવ્યો: ‘બેટા! તમારે ત્યાં મેરેજની બધી જ તૈયારી થઇ ગયેલી છે, તો અમે પણ તૈયારી કરી લઇશું.’રાગ કશું બોલી ન શક્યો પણ પ્રત્યુતરમાં તેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાવા લાગી.

Read Full Post »

અગ્નિની સાક્ષીએ લગ્ન- અગ્નિની સાક્ષીએ અલવિદા
– એકાએક વલણ બદલી નાખનારાં સાસરિયાં તરફથી એક દિવસ નોટિસ મળી…છુટાછેડાની !

ગગનભેદી સ્વરે ઉચ્ચારાયેલા મંગળાષ્ટકના અંતે વરસેલા ‘અક્ષત’ના વરસાદ સાથે જ ગુરુજીએ પડદો હટાવતાં તાળીઓના ગડગડાટ વચ્ચે વરવધૂએ એકબીજાના ગળામાં હાર પહેરાવ્યા.વડોદરાથી નજીકના જ એક નાના શહેરમાં વસતા મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિયન બ્રાહ્નણ કુટુંબ મધુકર અને વૈજયંતીનાં બે સંતાનો- દિપાલી અને અનુરાગ. ટૂંકી આવક છતાં આ નાનકડું કુટુંબ સુખી હતું. દિપાલી ગ્રેજ્યુએટ થઇ તે દિવસે ઘરમાં જાણે ઉત્સવ ઉજવાયો. પિતાએ તો કહ્યું, હજી આગળ ભણ. પરંતુ દિપાલી ઘરની સ્થિતિ સમજતી હતી. એક સમયના પ્રતિષ્ઠિત પરંતુ મંદીમાં સપડાયેલા ઉદ્યોગગૃહમાં નોકરી કરતાં પિતાને ત્રણ-ચાર મહિને એકાદ મહિનાનો પગાર મળતો.

સદ્નસીબે ઘરનું ઘર હતું. એટલે જરૂરિયાતો ઘટાડીને આ કુટુંબ ટૂંકી આવકમાં પણ નભી જતું. ગ્રેજ્યુએટ થયેલી દિપાલીએ વિચાર્યું, લગ્ન કરીને સાસરે જાઉં ત્યાં સુધી ઘરમાં આર્થિક ટેકો કરવો એ મારી ફરજ છે. એણે આગળ ભણવાનું માંડી વાળ્યું અને નજીકની એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી સ્વીકારી લીધી. સંસ્કારી કુટુંબની શિક્ષિત અને દેખાવડી દિપાલી માટે સ્વાભાવિક રીતે જ અનેક માગાં આવવા માંડ્યાં. અંતે દૂરના એક સંબંધીએ સૂચવેલો યુવક સૌને પસંદ પડ્યો. વડોદરામાં રહેતો મહારાષ્ટ્રિયન બ્રાહ્નણ કુટુંબનો એકનો એક દીકરો વિશ્વાસ. એમ.બી.એ. ર્ક્યા બાદ એક ખાનગી કંપનીમાં સારા હોવા પર નોકરી કરતા વિશ્વાસ સાથે અંતે ‘‘સાખરપૂડા-નારળ’’ નો કાર્યક્રમ સંપન્ન થયો. દિપાલી ખુશ હતી. કદાચ એણે સ્વર્ગમાં જોયેલો રાજકુમાર એને મળ્યો હતો.

લગ્નની તિથિ-વાર નક્કી થયાં અને વાજતે-ગાજતે જાન લઇને આવી પહોંચેલા સ્વર્ગના રાજકુમાર વિશ્વાસે દિપાલીના ગળામાં હાર પહેરાવ્યો. મંગળાષ્ટકના સ્વરો અને અક્ષતરૂપી ચોખાના રંગીન દાણાઓની વર્ષા વચ્ચે વિશ્વાસ અને દિપાલી પરણ્યાં. આર્થિક રીતે સુખી કુટુંબમાં આવેલી દિપાલીને હવે નોકરી કરવાની જરૂર નહોતી.

પોતાના સંસ્કાર અને મળતાવડા સ્વભાવને કારણે દિપાલી સાસરે પણ સૌની માનીતી બની ગઇ. જોતજોતામાં દોઢ-બે વર્ષનો ગાળો વીતી ગયો. એક દિવસ દિપાલીને તાવ આવ્યો. બીમારી લંબાતી ગઈ અને દિપાલી નંખાતી જ ગઇ.લેબોરેટરી ટેસ્ટ કરાયા. રિપોર્ટ જોઇને તબીબે નિદાન કર્યુ. દિપાલીને એઇડ્સ છે !!! તમામના પગ તળેથી જાણે ધરતી સરકી ગઇ. તબીબના નિદાન પર શંકા કરી અન્ય અભિપ્રાય લેવાયો. ત્યાંથી પણ કહેવાયું – ‘‘એઇડ્સ.’’

તબીબના એક વાક્યે બધું જ બદલી નાખ્યું. સ્વર્ગીય સુખોમાં રાચતી દિપાલી નકાર્ગારમાં ધકેલાઇ ચૂકી હતી. એને થોડા દિવસ પિયરમાં રહેવા મોકલાઇ. પ્રારંભમાં નિયમિત ખબર કાઢવા આવતો વિશ્વાસ ધીરે ધીરે અનિયમિત થતો ગયો. એઇડ્સ થતાં જ, ગઇ કાલ સુધી સંસ્કારી ગણાતી દિપાલીના ચારિત્રય વિશે શંકાઓ ઊભી થવા માંડી. દિપાલી એકાએક ચારિત્રયહીન મનાવા માંડી.

દિપાલીની સારવાર કરી રહેલા તબીબે એઇડ્સ થવાનું મૂળ શોધવા કરેલી મથામણ દરમિયાન ખબર પડી કે દિપાલી જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી હતી ત્યારે એક અકસ્માત બાદ ગંભીર ઈજાઓ સાથે એને દવાખાને દાખલ કરાઇ હતી. પગના ફ્રેકચરનું ઓપરેશન કરવા તત્કાળ બ્લડ લેબોરેટરીમાંથી એના ગ્રૂપનું લોહી મેળવી ચઢાવાયું. આ લોહી એચ.આઇ.વી. પોઝિટિવ હતું !! લગભગ દસ વર્ષ પહેલાં શરીરમાં પ્રવેશેલા વાઇરસ સક્રિય થયા હતા.

ચોંકી ઉઠેલા વિશ્વાસે સૌ પ્રથમ તો પોતાના તમામ લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા. સદ્નસીબે એને દિપાલીનો ચેપ નહોતો લાગ્યો. અચાનક પતિ સહિત તમામ સાસરિયાંએ દિપાલી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું. એની સારવારની અમારી કોઇ જવાબદારી નથી એવી એમની દલીલનો દિપાલીનાં ગરીબ અને લાચાર મા-બાપ પાસે કોઇ જવાબ નહોતો. આમ તેમથી પૈસા એકઠા કરી માતા-પિતાએ દિપાલીની સારવાર ચાલુ રાખી. પરંતુ નાઇલાજ રોગ વકરતો ગયો.

એકાએક વલણ બદલી નાંખનારાં સાસરિયાં તરફથી એક દિવસ નોટિસ મળી છુટાછેડાની. સમયસર દીકરાને અન્યત્ર પરણાવવા ઉતાવિળયાં બનેલાં સાસરિયાંએ આપેલો આ આઘાત દિપાલી માટે અસહ્ય હતો. ખુદ વિશ્વાસ પણ એનો નહોતો રહ્યો- હવે શું ? નોટિસનો જવાબ ન અપાયો એટલે થોડા દિવસોમાં દિપાલીના નામનો અદાલતી સમન્સ આવીને પડ્યો !અદાલતમાં આવેલા વિશ્વાસે એની તરફ જોયું સુધ્ધાં નહીં.

દિપાલીના નામનો પોકાર થયો. ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી દિપાલીએ ન્યાયાધીશને હાથ જોડીને કહ્યું કે, મારી બીમારી માટે મારો કોઇ જ વાંક નથી. છતાં મારું નસીબ સમજી મેં એને સ્વીકારી લીધી છે. હવે હું માંડ થોડા દિવસની મહેમાન છું. મને એક ‘‘સૌભાગ્યવતી’’ તરીકે મરવા દો એટલી મારી વિનંતી છે.

આપ મારા પિતાતુલ્ય છો, મને ન્યાય નહીં આશીર્વાદ આપો. રડતાં રડતાં તૂટક તૂટક બોલાયેલાં દિપાલીનાં વાક્યોએ ગમગીની ફેલાવી દીધી.લાંબી કોર્ટ કાર્યવાહી દરમિયાન એક દિવસ એણે આંખો મીંચી લીધી. દિપાલીની મહિલા ધારાશાસ્ત્રીએ વિશ્વાસના ધારાશાસ્ત્રીને માનવતાના ધોરણે વિશ્વાસને સમજાવવા તૈયાર કર્યો. વિશ્વાસ સ્મશાને આવ્યો. સોળે શણગાર સજાવેલો દિપાલીનો મૃતદેહ ચિતા પર ગોઠવાયો. હાથમાં લાલ-લીલી બંગડી. મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર અને લગ્નને દિવસે એણે પહેરેલ શાલુ. એના ચહેરાના ભાગે લાકડાં ગોઠવતાં પહેલાં વિશ્વાસે એને જોઇ. વિશ્વાસને લાગ્યું કે, એ હસી રહી છે. સૌભાગ્યવતી તરીકે એને અગ્નિદાહ અપાઇ રહયાનો સંતોષ એના ચહેરા પર ઝળકી રહ્યો છે.

વિશ્વાસે ચિતાને અગ્નિ દાહ આપ્યો ત્યારે ક્યારનાં’ય માથા પર ઝળુંબી રહેલાં કાળાં ડિબાંગ વાદળો વીજળીના ગડગડાટ સાથે તૂટી પડ્યાં. ચિતાની ઉપરના લોખંડના છાપરા પર પડતાં વરસાદનાં ફોરાંઓનો તડતડ અવાજ ચિતાના ભડભડ અવાજ સાથે ભળી ગયો હતો. નત મસ્તકે ચિતા પાસે ઊભેલા વિશ્વાસને લાગ્યું કે, મંગળાષ્ટકો ગવાઇ રહ્યા છે અને ચારે બાજુથી એમના ઉપર અક્ષતની વર્ષા થઇ રહી છે.

(આ સત્યઘટનાનાં પાત્રોનાં નામ અને સ્થળો બદલ્યાં છે. દિપાલીના અવસાન સાથે આ કેસ સમાપ્ત થયાની નોંધ કરી બંધ કરી દેવાયેલો છુટાછેડાનો કેસ પોટલાંમાં બંધાઇને અદાલતના રેકર્ડરૂમમાં લાકડાંના નિર્જીવ ઘોડા પર ગોઠવાઇ ગયો છે.)

Read Full Post »

સૂરજનું પહેલું કિરણ પ્રગટે એ પહેલાં રેનીસાને પોતાનો નિર્ણય જણાવી દેવાનો હતો. ભીની ભીની લાગણીથી સર્જાયેલા સંબંધ અંગે સ્પષ્ટતા કરી એક દ્રિધાભરી સ્થિતિમાંથી સાચો રસ્તો કાઢવાનો હતો. કેનેડામાં સ્થિર થયેલાં માબાપની પુત્રી રેનીસા ઇન્ડિયા આવી છે. સ્થાપત્યકળામાં તેને ખૂબ રસ છે. તેથી ગુજરાતમાં સૂર્યમંદિર, રાણીની વાવ, ચાંપાનેરનો કિલ્લો, ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી વગેરે સ્થળોને બહુ ઝીણવટથી તેણે જોયાં છે, એટલું જ નહીં પણ તેનો ઊંડો અભ્યાસ કર્યો છે.

ગુજરાતના આવા ભવ્ય વારસાથી અને ભાતીગળ ઈતિહાસથી પ્રભાવિત થઈ તે એક ક્ષણે તો બોલી ઊઠી હતી, ‘મુંજાલ! તું લક્કી છો; તારો બર્થ અહીં થયો. આવી વિરાસત વચ્ચે તું રહે છે!’ ત્યારે વાતને પામી જઈ મુંજાલે કહ્યું હતું, ‘રેનીસા! ઈતિહાસને હંમેશાં ચવાયેલા અને ગવાયેલા ભૂતકાળ સાથે સંબંધ હોય છે જ્યારે જિંદગીને ભવિષ્ય સાથે જોવાની હોય છે. તારું ભવિષ્ય તો ત્યાં જ…’ તે વખતે ભલે મુંજાલનું કહેવું તેને સમજાયું નહોતું, પણ બંનેની આંખોમાં એક તારો ચમકી ગયો હતો. નજર બદલાઈ ગઈ હતી. માત્ર પંદર દિવસનું સાંનિધ્ય જુગ જુગનું હોય તેવો અહેસાસ મનને પજવવા લાગ્યો.

રેનીસા હૈયાની વાત હાથમાં રાખી શકી નહોતી એટલે મુંજાલને સીધું જ કહી દીધું હતું : ‘મને તારી સાથે રહેવું ગમશે.’ રેનીસાનું કહેવું સાંભળી મુંજાલ, રણ અને ઝરણની વચ્ચે ઊભો રહી, શું કરવું અને શું કહેવું તેની મથામણ કરવા લાગ્યો હતો. સવાલ નાજુક અને વિચારણા માગી લે તેવો હતો. આવી સ્થિતિમાં દિલ અને દિમાગ સાથે રહે તો જ યોગ્ય રસ્તો મળે. ક્યારેક ઉતાવળીયો નિર્ણય પારાવાર પસ્તાવાનું પડીકું સામે ધરીને ઊભો રહેતો હોય છે.

મુંજાલ હિસ્ટરી સબ્જેકટમાં પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. સામાન્ય પરિવારનો પુત્ર હોવાથી પાર્ટટાઇમ જોબ કરી થોડું કમાઈ લે છે. જે યુવાન જાતે કમાતો થાય તેને રૂપિયા અને મહેનતનું મૂલ્ય બરાબર સમજાતું હોય છે. દિવાળી પછીનો માહોલ હોવાથી મુંજાલ ખિસ્સાખર્ચ નીકળે તેવા હેતુથી અને એક મુરબ્બીની ભલામણથી રેનીસા સાથે ગાઇડ તરીકે જોડાયો છે. પહેલા દિવસે ભારે લોચા પડ્યા હતા. રેનીસા ગુજરાતીમાં બોલવાનો પ્રયાસ કરતી હતી અને મુંજાલ અંગ્રેજીમાં. પણ પછી રેનીસાએ જ ચોખવટ કરતાં કહ્યું હતું, ‘મને સારી રીતે ગુજરાતી બોલતાં આવડે છે. ઘરમાં અમે માતૃભાષાનો જ યુઝ કરીએ છીએ.

અમારે ત્યાં ગુજરાતી પાઠશાળા પણ છે.’ કોઈ બિનગુજરાતી વ્યક્તિ આપણી સાથે શુદ્ધ ગુજરાતીમાં વાત કરે તો પણ આપણે સાચી અને ખોટી રીતે હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તેમાં સાચું સમજવાનો ભય ભારોભાર હોય છે, પણ અહીં તો બંને વચ્ચે સ્પષ્ટતા થઈ ગઈ હતી પછી સંવાદની કોઈ સમસ્યા રહી નહોતી. ક્યારેક તો મુંજાલના હોઠ ફફડે તે પૂર્વે રેનીસા સઘળું સમજી જતી હતી. વાણીને હૃદયનો સ્પર્શ થઈ ગયો હતો. અંતરના દ્વાર પર પ્રેમના પાર્ષદો ગોઠવાઈ ગયા હતા.

સવારનો પહોર હતો. હેમંતના મંદમંદ પવનમાં ગુલાબી ઠંડીનો ચમકારો વરતાતો હતો. સૂરજનાં કોમલ કિરણો ધરતી પર સોનેરી ચાદર બિછાવી રહ્યાં હતાં. રેનીસા પાટણમાં રાણીની વાવના કાંઠે ઊભી હતી. તેણે ટીશર્ટ-જીન્સ પહેર્યા હતાં. ખુલ્લા વાળ હતા. નીલરંગી આંખો પર ગોગલ્સ હતાં અને ખભા પર કીમતી કેમેરા ઝૂલતો હતો. ઊંચી, ગોરી અને સાગના સોટા જેવું સૌષ્ઠવ ધરાવતી રેનીસા, સુંદરતાનો અસબાબ ઓઢીને ઊભી હોય તેવી લાવણ્યમય લાગતી હતી. ઝીણી નજરે જોનારાની આંખો ચાર થઈ જાય તેવું રૂપ ઊઘડી આવ્યું હતું. સાથે ભોળપણ પણ ભારોભાર ભર્યું હતું. જાણે નિર્દોષતાની મૂર્તિ હોય!

મુંજાલ બરાબર સમજે છે કે આર્થિક સ્થિતિ સુધારી લેવાની અને જિંદગી બનાવવાની આ ઉત્તમ તક છે. લોકો લાખો રૂપિયા ખર્ચે પછી પરદેશ જવા મળે છે ત્યારે આ તો ઘેર બેઠાં લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. બાથરૂમમાં મોં ધોવા જવાય નહીં. બીજી બાજુ એમ પણ થાય છે કે ત્યાં ધારી લ્યો કે બધું જ મળશે પણ માબાપની હૂંફ નહીં મળે. ભલે શ્રવણ ન થઈ શકાય, પણ તેમની સાથે રહી સહારો તો બની શકાય.

લોહીના સગપણની આ એક જવાબદારી હોય છે. પરદેશની અઢળક કમાણી ભૌતિક સગવડ આપી શકે છે, અગવડ દૂર કરી શકે પણ સુખની ગેરંટી આપી શકે નહીં. જે યુવાનમાં દૈવત છે, આવડત છે તેના માટે કમાવું તે ડાબા હાથનો ખેલ છે. આમ મુંજાલ નનૈયો ભણે છે પણ મનમંદિરમાં રેનીસાના નામની ઝાલર વાગ્યા કરે છે.

છેલ્લે અડાલજની વાવ જોઈ પછી ગાંધીનગરની એક હોટલમાં રોકાયા છે. રેનીસાને બે દિવસ પછીની ફ્લાઇટ છે. તેના આંતરજગતમાં કોઈ એવું તત્વ પ્રવેશી ગયું છે જેણે તેને છિન્નભિન્ન કરી, વ્યાકુળ અને વહિ્વળ કરી મૂકી છે. છતાંય આ સ્થિતિ ગમે છે તેની ખુદને નવાઈ લાગે છે. પ્રણયના સાક્ષાત્કારની કદાચ ચરમસીમા હતી, પણ રેનીસાને એમ ખ્યાલ આવતો નહોતો. સાંજના સમયે બંને પુનિતવનમાં ફરવા આવ્યાં.

એક બાંકડા પર થોડી જગ્યા રાખીને બેઠાં. ખુલ્લા આકાશમાં સંધ્યારાણીનું સૌંદર્ય પ્રસરી રહ્યું હતું. રંગબેરંગી ફૂલછોડ અને આંખોમાં સમાય નહીં તેટલી વનરાજી વાતાવરણને પ્રફુલ્લિત કરી રહી હતી. ક્યાંય સુધી બંને મૌનનો આસવ પીતાં રહ્યાં. વળતાં ‘ ચ’ રોડ પર થઈ વિધાનસભા પાસેથી પસાર થયાં ત્યારે નગરરચનાનો અદ્ભુત નજારો જોઈ રેનીસા તો આનંદની અનુભૂતિમાં ગરકાવ થઈ બોલી ઊઠી હતી : ‘પ્લીઝ મુંજાલ… અહીં જ બેસી રહેવું છે!’ મુંજાલ કશી પ્રતિક્રિયા આપ્યા વગર મોડી રાત સુધી સાથે બેઠો હતો. પછી હોટલ પર આવી અલગ અલગ રૂમમાં પુરાઈ પથારીમાં તરફડિયાં મારવા લાગ્યાં હતાં.

મુંજાલ ઊઠીને રેનીસા પાસે આવ્યો પછી હૃદય પર પથ્થર રાખીને બોલ્યો : ‘સોરી રેનીસા, તારી સાથે કેનેડા ક્યારેય આવી નહીં શકું. આ મારો આખરી નિર્ણય છે.’ રેનીસા વિસ્મયભરી નજરે મુંજાલ સામે જોતી રહી પછી ભીના અને ધીમા સ્વરે બોલી : ‘હું અહીં રહેવાની વાત કરું છું, તેમાં વચ્ચે કેનેડા ક્યાંથી આવ્યું!’ મુંજાલની આંખોમાં જાણે સોનેરી ઉજાસ પથરાઈ ગયો!

Read Full Post »

સાડી ખેંચી કાઢવાની જરૂર નથી, તારાં કપડાં એ ઉતારી નાખશે. તું એક કામ કર, માત્ર દ્રુમાની સાડીનો પાલવ ખેંચી બતાવ! તોયે તું ભાયડો!

 

‘મા રા નામનો અર્થ તમે જાણો છો?’ દુર્ગેશે પૂછ્યું.‘ના.’ ઓમી, બિરજુ, કલ્લુ, ડેની અને જયુએ એક સાથે નકારમાં ડોકાં હલાવ્યાં.‘બસ, ત્યારે…’ દુર્ગેશના અવાજમાં પડકાર ફેંકવાની ફાવટ અને પડકાર ઝીલવાનું ઝનૂન છલકાઇ ઊઠ્યાં, ‘ભવિષ્યમાં ક્યારેય મને એવું તો કે’તા જ નહીં કે આ કામ તારાથી નહીં થઇ શકે. મારાથી બધું થઇ શકે.’

 

‘પહેલા તારા નામનો અર્થ તો કરી બતાવ.’ બિરજુ જ્ઞાનપ્રાપ્તિના મૂડમાં હતો. આમ તો એ આખીયે ટોળકી પાનના ગલ્લા પાસે ઊભી રહેતી તમાકુ-ટોળકી હતી. મસાલો એમની મા હતી, પાન એમનો પિતા હતો અને ગુટખા એમને મન ગોડફાધર. એમનું જનરલ નોલેજ કાથો, ચૂનો અને સોપારી આ ત્રણ જ વિષયો પૂરતું સીમિત હતું. દુર્ગેશ જેવા નામનો અર્થ જાણવો તે એમને મન કોર્સ બહારનો સવાલ હતો, પણ વાતની ચડસાચડસીમાં દુર્ગેશે આવો પ્રશ્ન પૂછી નાખ્યો એટલે જવાબ જાણવાની તાલાવેલી તમામમાં જાગી ઊઠી. ‘દુર્ગ એટલે કિલ્લો.

 

દુર્ગેશ એટલે કિલ્લાનો માલિક, પતિ, ઇશ્વર, વિજેતા.’ દુર્ગેશે મરઘાની પેઠે ગળું ફુલાવ્યું, ‘મેં ભલભલા મજબૂતમાં મજબૂત કિલ્લાઓને સર કર્યા છે, આ દ્રુમા તો એમની આગળ નાનકડી કિલ્લી કે’વાય. કિલ્લીયે નહીં, કિલ્લાની કાંગરી માત્ર! એને જીતવી એ તો મારે મન…’‘બસ, બસ, બસ.’ કલ્લુએ દુર્ગેશની વિજયકૂચને વચમાં જ અટકાવી દીધી, ‘આ દ્રુમાને તું હજુ ઓળખતો નથી. એ હમણાં પંદર જ દિવસ પહેલાં આપણી કોલેજમાં આવી છે ને એટલે. બાકી જે કોલેજમાં એ પહેલાં ભણતી હતી ત્યાં એની આતંકવાદી જેવી ધાક હતી. આમ બધી રીતે એ સીધી ને સરળ, પણ જો કોઇ છોકરાએ એને છેડવાની હિંમત કરી તો મામલો ખલ્લાસ! દ્રુમાના સેન્ડલનું માપ કોલેજના તમામ મજનૂઓ જાણી ચૂક્યા છે.’

 

આ માહિતી સાંભળીને દુર્ગેશ વિચારમાં પડી ગયો. પોતાની કોલેજમાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ દુર્ગેશથી ડરતી હતી. એની પાસે હિંમત હતી, છટા હતી, બાપકમાઇનો પૈસો હતો અને આપકમાઇની આવડત પણ હતી. એ ધારે તે છોકરીની પાસે જઇને ઊભો રહી જતો, જમણો હાથ લાંબો કરીને પૂછી લેતો: ‘મારી સાથે ફ્રેન્ડશિપ કરીશ?’આજ સુધી એક પણ છોકરી એવી નહોતી નીકળી જેણે શરમાઇને, મુસ્કુરાઇને એનો હાથ પોતાના હાથમાં પકડી ન લીધો હોય, પણ આજે પહેલીવાર મિત્રો ભેગા મળીને દુર્ગેશને ડરાવી રહ્યા હતા.

 

દુર્ગેશ થોડો-ઘણો ડરી પણ ગયો. વિચારીને એણે નિર્ણય બદલ્યો, ‘અચ્છા, તો પછી બીજો કોઇ પડકાર ફેંકો. હું દ્રુમાને પ્રપોઝ કરવાનું માંડી વાળું છું, પણ બીજું કંઇક સુઝાડો! એને ગુલાબનું ફૂલ આપી આવું? એના પર્સમાં મારા નામથી લખેલું વેલેન્ટાઇન કાર્ડ મૂકી આવું? એના કમીઝમાં બરાબર વચ્ચે ભરાવેલી પેન લઇ આવું? બોલો, યારો, કુછ તો બોલો!’‘સાલ્લો મરવાનો થયો છે.’ આ અભિપ્રાય બહુમતીથી નહીં, પણ સવૉનુમતીથી જાહેર કરવામાં આવ્યો. પછી મિત્રો ગહન વિચારમાં પડી ગયા કે દુર્ગેશને એવું તે કેવું કામ સોંપવું જે એને માર ખવડાવે તેવું અઘરું ન હોય અને જીતી જવાય એટલું સહેલું પણ ન હોય!‘મળી ગયું.’

 

જયુએ અચાનક ચપટી વગાડી, ‘મને એક ફાંકડો વિચાર આવ્યો છે. આવતી કાલે આપણી કોલેજની છોકરીઓ ‘સાડી-દિન’ મનાવવાની છે. દ્રુમા પણ આવતી કાલે સાડી ધારણ કરીને આવશે. દુર્ગેશ માટે પડકાર એ છે કે…’‘અરે, બોલી નાખ ને, યાર! તું કહે તો એની સાડી ખેંચી કાઢું.’ દુર્ગેશ આવેશમાં ભાન ભૂલીને દુ:શાસનના પાઠમાં આવી ગયો.

 

જયુ હસ્યો, ‘સાડી ખેંચી કાઢવા સુધી જવાની જરૂર નથી, તારાં ખુદનાં કપડાં એ ઉતારી નાખશે. તું એક કામ કર, માત્ર દ્રુમાની સાડીનો પાલવ ખેંચી બતાવ! તોયે તું ભાયડો!’‘બસ, ત્યારે આવતી કાલે ટી.જી.બી.માં ડિનર આપવાની તૈયારી કરી રાખજો. આ મરદ મૂછાળો ધોળા દિવસે બધાના દેખતાં એ પરીની સાડીનો પાલવ…’ દુર્ગેશે પડકાર સ્વીકારી લીધો.

 

આવતી કાલ અને ધોળા દિવસની આડે આજની રાત અને કાળું અંધારું બાકી હતું. જેમ-જેમ સમય વીતતો ગયો, તેમ દુર્ગેશની હિંમત જવાબ દેવા લાગી. કાલે જો આ માથાફરેલી છોકરી પોતાને લાફો ઠોકી દે તો અત્યાર સુધી જમાવેલી ધાક ધૂળમાં મળી જાય! એવું કંઇક બહાનું શોધી કાઢવું જોઇએ કે જેનાથી પડકાર ઝીલ્યો પણ કહેવાય અને દ્રુમા ગુસ્સે પણ ન થાય. બહુ વિચાર કર્યા પછી એવો ઉપાય દુર્ગેશને જડી ગયો.

 

સવારે અગિયાર વાગ્યે એણે મિત્રોને એક ઝાડ નીચે ઊભા રાખ્યા. પોતે વીસેક ગજ દૂર ગોઠવાઇ ગયો. બાઇક પર એવી રીતે બેસી રહ્યો જાણે કોઇ મિત્રની વાટ જોતો હોય. થોડી જ વારમાં દ્રુમા આવતી દેખાઇ. ચાર-પાંચ દાસીઓ જેવી સહેલીઓની વચ્ચે કોઇ રાજકુંવરી જેવી એ શોભી રહી હતી. ઘેરા લીલા રંગની સાડીમાં એ વનશ્રી જેવી ખૂબસૂરત લાગી રહી હતી.જેવી એ દુર્ગેશની બાજુમાંથી પસાર થઇ કે તરત જ દુર્ગેશે કહ્યું, ‘એક્સકયુઝ મી!’‘યસ?’ દ્રુમાએ પ્રશ્નસૂચક નજર એની તરફ ફેંકી. દુર્ગેશે હાથમાં આવેલો મોકો તત્કાળ ઝડપી લીધો.

 

‘તમારી સાડી ખરેખર ખૂબ સરસ છે. કેટલામાં ખરીદી?’ આટલું પૂછીને એણે હવામાં લહેરાતો પાલવ પકડી લીધો. જાણે સાડીનું પોત તપાસતો હોય એવી સહજતાથી એ પાલવને પકડી રહ્યો.દ્રુમાએ પળનાયે વિલંબ વગર એક સણસણતો તમાચો દુર્ગેશના ગાલ ઉપર જડી દીધો. પછી તમાચા કરતાંયે વધુ તેજ શબ્દો તણખાની જેમ હવામાં વેરી દીધા, ‘મને તું સાડીની દુકાન સમજી બેઠો છે? હું શું નાની કીકલી છું કે તારી મુરાદ ન સમજું? આ કોલેજનો સમય, સેંકડોની હાજરી, પેલા ઝાડ નીચે ઊભેલા તારા ટપોરી મિત્રો અને તારો પોતાનો જૂનો ટ્રેક રેકોર્ડ. મને બધું સમજાય છે. ગેટ લોસ્ટ અધર વાઇઝ…’‘પ… પ… પણ મેં કર્યું છે શું? તારી ચામડીને તો સ્પર્શ પણ નથી કર્યો. આ પાલવ તો નિર્જીવ છે. એને હાથ લગાડ્યો એમાં છેડતીનો સવાલ જ ક્યાં આવે છે? હું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ.’ દુર્ગેશે ધરાશયી થતા આબરૂના કિલ્લાને ટેકો આપવાની આખરી કોશિશ કરી.

 

દ્રુમાએ આંખોમાંથી આગ વરસાવી, ‘તું પ્રિન્સિપાલને ફરિયાદ કરીશ? તો હું અદાલતમાં ફરિયાદ કરીશ. હું જ્યારે મજનૂઓને મારવાની હિંમત ધરાવું છું, ત્યારે સ્ત્રી-સન્માનના કાયદા વિશેની સમજ પણ રાખું છું. સાડીનો પાલવ તને નિર્જીવ લાગે છે ને? સારું! તારા માથા પરના વાળ પણ નિર્જીવ છે અને હાથ-પગના નખ પણ! શું હું એને ખેંચી કાઢું? શું એ હિંસા નહીં ગણાય? તને એ વાતની ખબર નથી કે કાયદાની નજરમાં તેં મારો પાલવ ખેંચ્યો એને ‘ઇન્ડિસેન્ટ એસોલ્ટ’ ગણવામાં આવે છે.

 

કોઇ પણ સ્ત્રીનો પાલવ માત્ર બે જ પુરુષો ખેંચી શકે છે, એક એનો પતિ અને બીજો એનો પુત્ર. એ સિવાય આ અધિકાર એના પિતાને કે ભાઇને પણ નથી હોતો. જો હું અદાલતમાં જઇશ તો તું જેલભેગો થઇ જઇશ. ગેટ લોસ્ટ!’દુર્ગેશ નીચી મૂંડી કરીને ચાલ્યો ગયો. આજ સુધીમાં સર કરેલા તમામ સ્ત્રી-કિલ્લાઓ માટેનું સંચિત અભિમાન આજે પાણી-પાણી થઇ ગયું. સેંકડો છોકરા-છોકરીઓની નજર સામે થયેલા અપમાનમાંથી બહાર આવવા માટે એની પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો. એ રસ્તો પણ દ્રુમાનાં વાક્યોમાંથી જ એને સાંપડ્યો હતો.

 

છ મહિના પછી કોલેજના છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા પૂરી થઇ ગઇ. દુર્ગેશના અત્યાગ્રહને માન આપીને એના ધનાઢÛ અને સજજન પિતા મર્સિડીઝ કારમાં બેસીને દ્રુમાના ઘરે જઇ પહોંચ્યા. બે હાથ ફેલાવીને કન્યારત્નની માગણી મૂકી. બે હાથ જોડીને દીકરાના અપરાધ બદલ ક્ષમા યાચી. દ્રુમાના પપ્પાએ દ્રુમાને પૂછીને આ સંબંધને લીલી ઝંડી આપી દીધી.સુહાગરાતે વરરાજા દુર્ગેશે પોતાની નવોઢાના પાનેતરનો છેડો પકડીને પૂછ્યું, ‘પાનેતર સરસ છે. કેટલામાં પડ્યું?’‘એક દુર્જનને મારેલા એક લાફામાં અને એક સજજનની સાથે ફરેલા ચાર ફેરામાં પડ્યું છે.’ પાનેતરમાં પદમણી જેવી લાગતી દ્રુમા પતિને વળગી પડી.

Read Full Post »

સાંભળીને એ લગભગ ફસડાઇ જ પડી. એને જવાબ આપવા ફ્લેટનો દરવાજો ખોલી બહાર આવેલી મહિલા તો દાદરમાં જ એને પડતા જોઇ હેબતાઇ ગઇ. એની બૂમાબૂમથી આજુબાજુના ફ્લેટમાંથી દોડી આવેલા લોકોમાંથી કોઇકે એને બેઠી કરી, કોઇકે પવન નાંખ્યો.  કોઇએ એને પાણી પીવડાવ્યું. સ્હેજ સ્વસ્થ થઇ એટલે એ જાણે પગ ઓગળી ગયા હોય એમ કઠેરો પકડી ધીરે ધીરે દાદરો ઊતરી ચાલી ગઇ…

શ્વેતા. નામને યથાર્થ ઠેરવે એવી ગૌરવણીઁ, આકર્ષક દેહલાલિત્ય ધરાવતી નાજુક નમણી  અને હસમુખી. નાતમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા આબરૂદાર શ્રીમંત કુટુંબની ૨૪ વર્ષીય કન્યા. એમ.બી.એ. કરીને માત્ર સમય પસાર કરવાના ઇરાદે નોકરીની તલાશ કરી રહેલી શ્વેતા.

એક દિવસ સાયબર કાફેમાં એની ઓળખાણ ગૌરાંગ સાથે થઇ. એમ.સી.એ. કરીને વિદેશ  ઉડવાની પેરવીમાં વ્યસ્ત ગૌરાંગ પણ આબરૂદાર, પરંતુ રૂઢિચુસ્ત કુટુંબનું બીજું સંતાન.શ્વેતા અને ગૌરાંગનો પરિચય ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ ખૂદ એ બંનેને જ ખબર ન પડી. એક દિવસ શ્વેતા અને ગૌરાંગે પોત-પોતાના ઘરમાં વાત છેડી. શ્વેતાના પિતાએ સખ્ત વિરોધ નોંધાવ્યો અને ગૌરાંગની રૂઢિચુસ્ત માતાએ પણ. શ્વેતાના પપ્પાએ પોતાનું આખરીનામું સુણાવી દીધું આ લગ્ન શક્ય નથી.ગૌરાંગની માતાએ તો ગૌરાંગને રીતસર ધમકી આપી કે, ‘જો તેં પ્રેમલગ્ન કર્યા છે તો મારું મરેલું મોઢું જોઇશ.’

મનથી એકબીજાને વરી ચૂકેલાં એ બંને માટે અલગ થવું મુશ્કેલ હતું.અને, એક દિવસ શ્વેતા અને ગૌરાંગ વેદમંદિરમાં બે મિત્રોની સાક્ષીએ પરણી ગયાં.પોત-પોતાના ઘરે રહી લગભગ માત્ર ફોન ઉપર જ અથવા તો દિવસમાં એકાદ વાર કેટલાક સમય માટે રૂબરૂ મળી પોતાનો ગુપ્ત સંસાર ચલાવતું આ યુગલ એમના લગ્નને બંને કુટુંબો દ્વારા સહર્ષ સ્વીકારાય એની રાહ જોતું હતું.

અચાનક સંજોગો પલટાયા. આઇ.ટી. ક્ષેત્રની એક જાણીતી પ્રતિષ્ઠિત કંપનીમાં ગૌરાંગને બેંગલોર ખાતે જોબ મળી હતી. જો ગૌરાંગ બેંગલોર જાય તો કદાચ દિવસો અને મહિનાઓ સુધી રૂબરૂ ન મળાય એવો બંનેને ડર હતો. આટલી નાની વયે મળેલી પ્રતિષ્ઠિત જોબ ઠુકરાવી કારકિર્દી સાથે ચેડાં કરવા પણ પોષાય એમ નહોતું. નાછુટકે બંનેએ વાસ્તવિકતા સ્વીકારી. ગૌરાંગ બેંગલોર ગયો.

બંને વચ્ચે એક સમજૂતી થઇ હતી. રોજ રાત્રે બરાબર ૧૧ વાગે ગૌરાંગ શ્વેતાને વડોદરા ફોન કરતો. બે-પાંચ મિનિટ પણ મોડું થતું તો શ્વેતા ગૌરાંગને રીતસર ધમકાવી નાંખતી. એક દિવસ રાત્રે ૧૧ વાગે ફોન ન આવ્યો. ઘડીક દીવાલ પર ટિંગાયેલી ઘડિયાળ તરફ તો ઘડીક ફોન તરફ જોતી શ્વેતા ટીવી પર આવતી ફિલ્મમાં મન પરોવવા પ્રયાસ કરતી રહી. સાડા અગિયાર થયા. બાર વાગ્યા. આખરે એ થાકી. એણે ગૌરાંગનો મોબાઇલ નંબર જોડ્યો. સામેથી મહિલાના અવાજમાં પ®ન્ર આવ્યો : ‘હલો… કોણ… ?’

મહિલાનો અવાજ સાંભળી ચોંકેલી શ્વેતાએ ફોન કટ કરી નાખ્યો. એણે જોયુ, નંબર તો ગૌરાંગનો જ ડાયલ કર્યો હતો… તો પછી ? ફફડતા હૈયે એના મનમાં વિચારોનું તોફાન ઊઠ્યું… હા… ગૌરાંગનાં મમ્મી હશે… આ વિચાર સાથે જ એને શાતા વળી. બીજે દિવસે એણે બપોરે ફરી ફોન કર્યો. મોબાઇલ સ્વિચ ઓફ હતો. સાંજે પણ સ્વિચ ઓફ. શ્વેતાનો જીવ તાળવે ચોંટ્યો હતો. રાત્રે ૧૧ વાગ્યાની રાહ જોવાનું એણે નક્કી કયુ•. રાત્રે ૧૧ વાગે ફોન ન આવ્યો. ૧૨. રાત્રે એક… શ્વેતાના મનમાં ધ્રાસ્કો પડ્યો. નક્કી કંઇક અજુગતું થયું છે. એણે રાત્રે એક વાગે ગૌરાંગનો મોબાઇલ નંબર જોડ્યો. સ્વિચ ઓફ. શ્વેતા ભાંગી પડી. અડધી રાતે પથારીમાં પડ્યાં પડ્યાં ધ્રૂસકે ધ્રૂસકે રડતી શ્વેતાને સાંત્વન આપનાર પણ કોઇ નહોતું.

માંડ માંડ રાત્રી પસાર કરી. શ્વેતાએ સવારે ગૌરાંગની ઓફિસે ફોન જોડ્યો. જવાબ મળ્યો, ગૌરાંગ તો રજા પર છે, ક્યારે આવશે, નક્કી નથી. ચાર દિવસ, એક અઠવાડિયું. પંદર દિવસ, ૨૦ દિવસ… રાત્રે ૧૧ વાગે ફોનની રિંગ વાગશે એવી આશામાં બેસી રહેતી શ્વેતા નિરાશ થઇ ધ્રૂસકે ધ્રૂસકે રડી સૂઇ જતી. એણે જ્યારે જ્યારે ફોન કર્યા, મોબાઇલ સ્વિચ ઓફ. ઓફિસમાંથી જવાબ મળતો રજા પર છે.

એક દિવસ રાત્રે ૧૧ વાગે ફોનની રિંગ વાગી. છળી ઉઠેલી શ્વેતાએ લગભગ તરાપ મારીને ફોન ઝડપી લીધો. હલો… હલો… એણે લગભગ ચીસ પાડી. સામે છેડેથી જાણે કોઇ ગુફામાંથી આવતો હોય એવો પડઘાયુકત ત્રૂટક ત્રૂટક અવાજ હતો. હલો… હલો… શ્વેતાએ અવાજ ઓળખ્યો. ગૌરાંગનો અવાજ… ‘હલો… હલો… તું ક્યાં છે ગૌરાંગ ?’ એવું પૂછતાં પૂછતાં તો એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી… ગૌરાંગ ત્રૂટક ત્રૂટક બોલ્યો, કેટલુંક અસ્પષ્ટ જ રહ્યું .. પણ એણે કહ્યુ‘શ્વેતા… હું ખૂબ બીમાર છું… મને… તારી જરૂર છે…’ ત્રૂટક ત્રૂટક સંભળાયેલા શબ્દો જોડીને શ્વેતાએ એને વારંવાર પૂછ્યું… ‘ક્યાં છે… તું… ? હું આવી જાઉં છું… મને સરનામું આપ…’ પણ, ફોન કપાઇ ગયો.ફરીથી ફોનની રાહ, ફરી સ્વિચ ઓફ. એની ઓફિસમાંથી જવાબ મળ્યો… ‘હી લેફ્ટ’ ગૌરાંગે જોબ છોડી દીધી ! હવે એને શોધવાના છેલ્લો દરવાજો પણ બંધ હતો. જોતજોતામાં છ મહિના વીતી ગયા. રોજ રાત્રે ૧૧ વાગે ફોનની રાહ જોતી શ્વેતા નિરાશ થઇ સૂઇ જતી.

એક દિવસ શ્વેતાએ બેન્કમાંથી નીકળી ફરી એકવાર ગૌરાંગના વડોદરાના ઘરે આંટો મારવાનું વિચાયુ•. દાદરો ચઢીને એ બીજે માળે પહોંચી. દર વખતની જેમ તાળું જોઇને જ પાછા વળી જવાના ખ્યાલ સાથે એણે દરવાજે નજર નાંખી અને એ ચોંકી. દરવાજે તાળું નહોતું ! આનંદથી લગભગ ચીસ પાડવાનું થઇ આવેલું મન એણે વાળી લીધું…એણે હિંમત કરી કોલબેલ વગાડ્યો. દરવાજો ખૂલ્યો. દેખાવે જ દક્ષિણ ભારતીય લાગતી પ્રૌઢ મહિલા દરવાજામાં ઊભી હતી. એણે શ્વેતા સામે પશ્ન સૂચક જોયું. ‘ગૌરાંગ…’ શ્વેતા માંડ એટલુંજ બોલી શકી… ‘કોણ ગૌરાંગ…?’ એવા પ્રૌઢ મહિલાના પ્રતિપ્રશ્નથી એ ચોંકી… એણે કહ્યું .. ‘ગૌરાંગ… શાહ… યહાં રહેતે હૈ… ન… વો ?’ અરે… વો અબ યહાં નહીં હૈ… ઘર બેચકે અમેરિકા ચલે ગયે… હમને ખરીદા હૈ… શ્વેતાના પગ તળેથી જાણે ધરતી સરકવા માંડી. બાજુના ફ્લેટમાંથી બહાર આવેલી અને શ્વેતાને જોઇને ઓળખતી પાડોશી ગુજરાતી મહિલાએ શ્વેતાને કહ્યું…

ગૌરાંગ બેંગલોર રહેતો હતો… એને બ્લડ કેન્સર થયું હતું… અમેરિકા લઇ ગયા પણ બચ્યો નહીં… ગયા મહિને જ નવનીતભાઇ આવ્યા હતા. આ ફ્લેટ વેચીને કાયમ માટે અમેરિકા જતા રહ્યાં. બાકીના શબ્દો જાણે હવામાં જ ઓગળી ગયા. લગભગ હતપ્રભ થઇ નિષ્પલક રીતે મહિલાના મ્હોં સામે જોઇ રહી વાત સાંભળી રહેલી શ્વેતા ફસડાઇ પડી. લગભગ ૩ મહિના પહેલાં એ વિધવા થઇ ગઇ હતી એની જાણ એને આજે થઇ હતી . (પાત્રોના નામ બદલ્યાં છે.)

Read Full Post »

કહેવાય છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે. દરિયાની ગહરાઈ માપી શકાય છે. પણ સ્ત્રીના દિલની ગહેરાઈ માપી શકાતી નથી.

મારુ નામ કલ્પેશ છે. હું સૌરાષ્ટ્ર યુનિ.માંથી ગ્રેજ્યુએટ થયેલ છું. રાજકોટમાં મારા એપાર્ટમેન્ટમાં જ મીના નામની એક છોકરી રહેતી હતી. અમે આમ તો એકબીજાને સારી રીતે ઓળખતા હતા. તેના અને મારા પરિવાર સાથે પણ સારા સંબંધો હતા. એક સારા પડોશી હતા. મીના વિશે મારો અભિપ્રાય હંમેશાં એ હતો કે તે એ ખૂબ જ સારી છોકરી છે. તેના વિશે મને ઘણી ઊડતી વાતો મળતી કે તે એક ખરાબ છોકરી છે. તે છોકરાને ફેરવીને છોડી દે છે પણ મારી નજરમાં ખૂબ જ સારી છોકરી છે.

મને અમદાવાદમાં ભાષાભવનમાં એમ.એ. કરવાની ખૂબ જ ઈચ્છા હતી. મને એડમિશન મળી

ગયું. હું અમદાવાદ આવી ગયો. અહીં ખાનગી મકાનમાં એકલો જ ભાડે રહેવા લાગ્યો. એક દિવસ મને રાતે અચાનક કોઈ નંબર પરથી મિસ કોલ આવ્યો. મેં ફોન કર્યો તો મીના બોલતી હતી. તેણે મારી સાથે ખૂબ વાતો કરી. મારી પડોશી હોવાના નાતે તેને હું મારા પરિવારની સંભાળ રાખજે એમ પણ કહેતો. મને નવાઈ એ લાગતી હતી. તે મારી નજીક હતી ત્યારે બહુ વાતચીત નહોતી કરતી અને આજે અચાનક હું તેનાથી દૂર છુ ત્યારે તેને થયું છે શું ?

પછી તો દરરોજ ફોન રાત્રે આવતા. મને અમદાવાદ વિશે પૂછયા કરતી. એક દિવસે તેના ધારદાર સ્વરે મારી નીંદ હરામ કરી દીધી. તેણે કીધું કે ‘તમારા દિલમાં મારી પ્રત્યે જે હોય તે કહી નાખો.’ હું અવાક થઈ ગયો. મને હવે ખબર પડી ગઈ તે મને પ્રેમ કરે છે. તે કહેતી કે, ‘તમે જ્યાં સુધી કઈ નહી કહો ત્યાં સુધી હું ફોન નહી મૂકું.’ અડધો કલાક ફોન પર હું કઈ બોલતો ન બોલતો. છેવટે મેં તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો. મેં કોઈ દિવસ પ્રેમ કર્યો ન હતો. પછી તો રોજ ફોન પર અમારી લાંબી લાંબી વાતો ચાલતી. એ મારા સરનામે પ્રેમપત્રો લખતી. ઈ-મેલ પણ કરતી. બસ મને સમજાયુ કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે. મને એવું લાગવા માંડયુ કે ‘હવે તે મારી છે’ હું માનવા લાગ્યો હતો કે બસ મારી પ્રેમિકા સાથે જ મારી જિંદગી જશે. પણ મારા લગ્ન તેની સાથે સંભવ કદાચ નહોતા. કારણકે અમારી જ્ઞાતિ પ્રેમલગ્નને સ્વીકારતી નથી. અમારા બેની જ્ઞાતિ અલગ હતી. મીનાને આ વાતથી મે અવગત પણ કરાવી હતી.

તે મને કહેતી ‘ભલે તમે આ જન્મમાં મને નહી મળી શકો પણ આવતા જન્મમાં તમે મારા છો’ મારી સાથે શૈયામાં તમે જ હશો. મારી બાહોમાં સમાવીને તમને દુનિયાનું શ્રેષ્ઠ સુખ આપીશ.’

આમને આમ અમારા પ્રેમસંબંધને દશ મહિના વીતી ગયા.

મારી ફાઈનલ પરીક્ષાને મહિનો બાકી હતો. ભવનમાં હવે રિડીંગ વેકેશનનો માહોલ હતો એટલે રાજકોટ આવી ગયો.

પણ એક મારા મિત્રનો ફોન આવ્યો. તેની વાત સાંભળી હું ચોંકી ગયો. તેણે મને બહાર બોલાવ્યો. હું બાઈક લઈને ત્યાં પહોંચ્યો. મિત્રને મળ્યો. તેણે કહ્યું તારી મીના તો ગાર્ડનમાં કોઈની જોડે બેઠી છે. મસ્તી કરે છે. નક્કી તને ફેરવે છે. મને તેની વાત માનવામાં આવતી નહોતી. પણ પછી મે મોઢા પર રૂમાલ બાંધી ચશ્મા પહેરી અંદર ગયો. બાગના એક ખૂણામાં સાચેજ મીના હતી. તે કોઈ છોકરા સાથે તેના ખોળામાં સૂતી હતી. મારુ લોહી ઊકળી ઊઠયું. થયું કે હમણા બંનેને ખતમ કરી નાખુ. પણ મારા મિત્રે કહ્યું, ‘હમણા ચાલ પછી તેની સાથે શાંતિથી વાત કરજે. અહીં તમાશો થશે.’

હું ઘરે આવતો રહ્યો. રડયો પણ ખરો.
સાંજે મીના મને મળી ત્યારે મેં તેને પૂછયું : ‘તું બાગમાં કોના ખોળામાં સૂતી હતી…?

એ અવાક થઈ ગઈ. તે કહેવા લાગી ‘હું તો આજે મામાને ઘરે જામનગર ગઈ હતી, તે ગાંડા, બીજી જોઈ હશે. હું તો તારા ખોળામાં સુવાની એમ કહી એ જતી રહી.

મને ખબર હતી ‘એ જૂઠુ
બોલે છે.’

ધીરે ધીરે આખા એપાર્ટમેન્ટમાં મીનાના એ છોકરા સાથેના પ્રેમપ્રકરણની વાત ફેલાઈ. મારી નાની બહેન જે એફ.વાય.બી.કોમ. કરે છે તેણે મને વાત કહ્યું કે, ભાઈ મીના કોઈ છોકરા જોડે પ્રેમપ્રકરણ ચલાવે છે. તેની મમ્મીને પપ્પા તેની મોટી બેનને ખબર પડી ગઈ છે તેને માર પણ પડયો હતો.હવે આ વાત સાચી સાબિત થઈ ગઈ.

મારી પરીક્ષા નજીક હતી હું અમદાવાદ જતો રહ્યો.

જોકે રાતે હું તેના મોબાઈલ પર મેસેજ મોકલતો પણ કોઈ જવાબ ન આવતો. ફોન કરતો તો ફોન સ્વીચ ઓફ કરી દેતી. હવે તેનું સત્ય પકડાઈ ગયુ હતું. આમેય સ્ત્રીઓ પોતાની ભૂલો ક્યારેય સ્વીકારતી નથી.

મારી પરીક્ષા આવી. ચાર પેપરો ખૂબ જ સારા ગયા. સાંજે અમદાવાદમાં મિત્રો સાથે ફર્યો. બીઆરટીએસમાં કાંકરિયા ગયા. મજા કરી અને ત્યાંજ મારી નાની બેનનો ફોન આવ્યો. ‘ભાઈ, મીના તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.’

મારા માટે જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. હું જેના પર મારા પરિવારથી પણ વધારે વિશ્વાસ કરતો હતો તેણે મારી સાથે આવું કર્યું. જો કે હું સ્વસ્થ થયો અને મારી રૂમ પર આવતો રહ્યો. બીજે દિવસે તો મને તાવ ચઢી ગયો. મારા મિત્રો મને વી.એસ. હોસ્પિટલ લઈ ગયા. મારુ બ્લડપ્રેશર લો થઈ ગયું હતું. બાટલો ચઢાવાયો. જોકે આ વાત મે મારા પરિવારને કરી નહોતી. બે દિવસ બાદ હું સારો થઈ ગયો. અને હવે વેકેશન હતું. હું રાજકોટ આવી ગયો.

પહેલા તો હું મીનાના મમ્મીને મળ્યો. એ રડી પડયા. એ બોલ્યા : ‘મારી છોકરીને ફસાવીને લઈ ગયો. અને કોર્ટમાં લગ્ન કરી નાખ્યા છે. તેની નોટિસ પણ મોકલી છે.’ તે મને બતાવી… તેના લગ્ન થઈ ગયા હતા. હવે એ મારી પ્રેમિકા નહી પણ કોઈની પત્ની હતી.

દિવસો વીતવા લાગ્યા. મારે પણ બધુ સ્વીકારવું પડયું. ત્યારબાદ મે એમ.એ. અને બી.એડ પૂરુ કર્યુ. બસ મારુ ધ્યાન હવે ભણવામાં હતું. અને પછી એમ.એડ. કર્યું અને આજે હું એક કોલેજમાં પ્રાધ્યાપક છું.

પણ એક દિવસ મારી જિંદગીમાં ટ્રેજેડી સર્જાશે એની મને ખબર નહોતી. તે અચાનક મને અમદાવાદ રેલવે સ્ટેશન પર મળી ગઈ. તે મને જોઈને અવાક થઈ ગઈ. હું તેની પાસે ગયો. તેના ખોળામાં નાનુ બાળક હતું. હવે એ મમ્મી હતી.

મે કહ્યું. ‘કેમ છે, તેં તો મને તારા લગ્નમાં આમંત્રણ
આપ્યુ નહીં.’

એ રડવા જેવી થઈ ગઈ મને લાગ્યુ હમણા આંસુઓનો બંધ તૂટી પડશે.’ચાલ તને બધી હકીકત કહુ. અહી બેસીએ. તુ મારશે તો હું માર ખાઈ લઈશ. મે ના પાડી કોઈ જોઈ જશે તો તારા પતિ તને ફટકારશે.’

‘એ નહીં આવે. મૂકીને હમણા જતા રહ્યા :’ એ બોલી.

હું તેની પાસે બેઠો. તે જે વાત કરતી હતી. બધી જુઠી હતી. હું માત્ર જ હા મા હા મિલાવતો હતો.

એણે કહ્યું ‘ભલે મારા લગ્ન થઈ ગયા. પ્રેમ હજી પણ તમને કરું છું. અહીંયા હું ફરી લપસ્યો. મને થયું હાશ… પછી વિચાર્યુ કે બાળકની માતા છે. એનો પતિ છે. શા માટે તેના જીવનમાં આગ લગાડુ ?

મીના બોલી : ‘હું હજી તારી સાથે સંબંધ રાખવા માગં છું.’

મેં ના કહી : ‘હવે તું તારા પતિ સાથે જ જીવજે મીના.’

હવે તેને લડીને કે માર મારીને કોઈ ફાયદો નહતો. એનું જીવન તેના કર્મની સજા છે એમ હું વિચારી રહ્યો.

હું ઘરે આવતો રહ્યો. આખી રાત તે મારા સ્વપ્નમાં આવવા લાગી. તેના વિચારો મારા મનમાંથી હટતા જ નહોતા.

મહિનો વીત્યો. એક દિવસ મીનાનો પતિ બુમો પાડતો પાડતો મીનાની મમ્મીને ઘરે આવ્યો અને કહેવા લાગ્યો : ‘તમારી છોકરી મારા છોકરાને લઈને કોઈની સાથે ભાગી ગઈ છે.’ એણે મીનાએ ભાગી જતા પહેલા લખેલી ચિઠ્ઠી બતાવી. આખા એપાર્ટમેન્ટના લોકો ભેગા થઈ ગયા.

તમાશાને તેડુ ન હોય. મીનાના પપ્પાને એટેક આવ્યો. એમનું અવસાન થઈ ગયું.

આજે મને એમ થાય છે કે, કેટલા પુરુષો આવી મીનાઓના શિકાર બનશે ? એક છોકરી કે જેણે એના પ્રેમીની જિંદગી વેરાન કરી નાંખી, જેણે પતિને રઝળતો મૂકી દીધો અને જે પોતાના જ પિતાના અકાળ મૃત્યુનું કારણ બની. આજે મને થાય છે કે કેટલા પુરુષો આવી મીનાઓના શિકાર બનશે ? સાચે જ સ્ત્રીને સમજવી બહુ મુશ્કેલ છે. પત્ર પૂરો થાય છે.

Read Full Post »

ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે મારે રિટાયર થવાને તો ઘણીવાર હતી અને હું કોઈ એવા મહાન કુટુંબમાં જન્મ્યો નહોતો કે સફેદ વાળ જોઈ રિટાયર થઈ જાઉં ને મારા પુત્રને મારી ખુરશી પર બેસાડી દઉં !

પ્રભુએ જ્યારે મારું નિર્માણ કર્યું ત્યારે સૌંદર્યની સામગ્રી વાપરવામાં એમણે સારી પેઠે કરકસર કરી હશે એવું બીજાઓને જ નહીં મને પણ ઘણીવાર લાગ્યું છે, પણ પછી પ્રભુને પસ્તાવો થયો હોય કે ગમે તેમ પણ મને પ્રભુએ સુંદર લાંબા કાળા વાળ આપ્યા ને એ રીતે ચહેરાની અસુંદરતા સરભર કરી આપી હતી. પરંતુ ચહેરાની અસુંદરતા આજ સુધી ટકી છે ને જીવનના અંત સુધી ટકી રહેશે, પણ વાળ ધીરેધીરે ઓછા, આછા ને સફેદ થતા રહ્યા. કોઈ અબજોપતિ માણસ ધીરે ધીરે ગરીબ થવા માંડે એવી મારી સ્થિતિ થઈ છે. વર્ષો સુધી જ્યાં નિવાસ કર્યો એવા મારા માથાને છોડતાં વાળને શું થયું હશે તે હું કહી શકતો નથી, પણ વાળની વિદાય મારા માટે વહલાની વિદાય જેટલી જ વસમી થઈ પડી છે.

દરરોજ માથામાં તેલ નાખતાં પહેલાં હું મારા વાળનું નિરીક્ષણ કરવા માંડ્યો. ‘વાળ’ એ ‘અકાઉન્ટેબલ’ (ગણી ન શકાય તેવી) સંજ્ઞા છે, પરંતુ મને લાગ્યું કે મારા વાળ વ્યાકરણ સામે બળવો કરીને ‘કાઉન્ટેબલ’ (ગણી શકાય તેવી) સંજ્ઞા બનવા કૃતનિશ્ચય છે. ‘વાળવિષાદયોગ’ના દિવસોમાં પૉઝિટિવ થિંકિંગનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું. રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ની જાદુઈ અસર ગાંધીજી પર થઈ હતી એવી આ પુસ્તકની જાદુઈ અસર મારા પર થઈ. (અહીં તુલના બે પુસ્તકો વચ્ચે છે, મારી અને ગાંધીજી વચ્ચે નથી એની સુજ્ઞ વાચકોએ નોંધ લેવી.) વાળની વસમી વિદાય અંગે જીવ બાળવા કરતાં મિશ્ર સરકારના વડા પોતાની સાથે હોય એમાંથી કોઈ જતું ન રહે એની કાળજી રાખે છે, એ રીતે મારા માથા પરના શેષવાળમાંથી હવે ઓછા ન થાય એની કાળજી લેવાનો અને સાથે સાથે જતા રહેલા વાળ પાછા આવી, ફરી મારા માથાને શોભાવે એ માટે પણ પુરુષાર્થ કરવાનો મેં નિશ્ચય કર્યો. આ પુરુષાર્થ માટે જે કંઈ અર્થવ્યય કરવો કે તે કરવા પણ હું તૈયાર થયો.

‘તમે સારું આયુર્વેદિક તેલ વાપરો.’ એક મિત્રે મને સલાહ આપી. (જો કે એ મિત્ર માથા પર વિગ પહેરે છે.) મિત્રની સલાહ સ્વીકારી આયુર્વેદિક દવાઓની દુકાને ગયો. કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. યુવાનના માથા પર ટાલ ઝગમગી રહી હતી. યુવાનની ટાલ જોઈ મારો ઉત્સાહ થોડો મંદ તો પડી ગયો, છતાં ‘પૉઝિટિવ થિંકિંગ’નો અભિગમ જાગ્રત કરી મેં એ કેશવિહીન યુવાનને કહ્યું, ‘માથામાં નાખવાનું સારું તેલ છે ?’
‘છે.’ યુવાને એકાક્ષરી જવાબ આપ્યો.
‘શો ભાવ છે ?’
‘કાકા, કોને માટે તેલ જોઈએ છે ?’
‘કેમ ? સીનિયર સિટિઝનો માટે કોઈ સ્પેશિયલ પ્રકારનું તેલ આવે છે ?’ મેં પૂછ્યું.
‘એવું તો નથી, પણ તમારી વાત પરથી લાગે છે કે તમારે તમારા માટે જ તેલ જોઈએ છે.’
‘હા, મારે મારા માટે જ તેલ જોઈએ છે.’
‘કાકા, હું તો તમારાથી ઘણો નાનો છું એટલે મારાથી તમને સલાહ ન અપાય; પણ કાકા, આ ઉંમરે તમારે એક હજાર રૂપિયાની બોટલવાળું તેલ વાપરવાની શી જરૂર છે ? માથા પર પચાસ વાળ રહ્યા કે પચ્ચીસ રહ્યા, અરે સાવ ન રહ્યા તોય શો ફેર પડે છે ? મને તો ત્રીસ વર્ષ જ થયા છે; આ મારી પોતાની દુકાન છે ને તોય હું આવું મોંઘું તેલ વાપરતો નથી- માથા પર ટાલ પડી ગઈ છે તોય.’ મને લાગ્યું કે આ યુવાન કોઈ યોગભ્રષ્ટ આત્મા છે ને હરિદ્વાર કે હૃષિકેશના કોઈ આશ્રમમાં હોવાને બદલે અહીં મહાનગરમાં વસી રહ્યો છે. એની સલાહ ખોટી નહોતી છતાં હું તો તેલ ખરીદવા કૃતસંકલ્પ હતો એટલે મેં કહ્યું, ‘તમારી સલાહ માટે આભાર; પણ મારે તેલ જોઈએ જ છે.’ સદભાગ્યે મારી પાસે પંદરસો રૂપિયા હતા. એમાંથી મેં એને પાંચસો-પાંચસોની બે નોટ આપી અને યુવાને કચવાતે જીવે (મને એવું લાગ્યું) મને તેલ આપ્યું. યુવાને મને સલાહ આપી તો એનું ઋણ ફેડવા માટે મારે પણ એને થોડી સલાહો આપવી જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ મેં પણ ‘આ રીતે તેલ ખરીદવા માટે આવેલા ગ્રાહકને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહ કરતા રહેશો તો દુકાન બંધ કરવાનો વખત આવશે.’ એવી થોડી સલાહો આપી.

તેલ ખરીદીને હું ઘરે આવ્યો. હું અકબર બાદશાહ કે સમ્રાટ અશોક હોત તો મેં માથાના વાળ વધારે ને કાળા કરે એવા તેલના હોજ બનાવડાવ્યા હોત; પણ આજની સ્થિતિમાં તો હજાર રૂપિયાનું તેલ ખરીદવાનું પણ મારા ખિસ્સાને કોઈ રીતે પરવડે એમ નહોતું. વાળ વધે કે ન વધે, આ મહિને દેવું તો ચોક્કસ વધવાનું હતું. આ ખર્ચનું એડજેસ્ટમેન્ટ કરવાની ચિંતામાં થોડા વધુ વાળ ખરી જાય એ પણ તદ્દ્ન અસંભવિત હતું. આ બોટલ પાછી આપવા જાઉં તો પેલો ભલો યુવાન ચોક્કસ પાછી રાખી લે, પણ એમ કરતાં મને સંકોચ થયો. ઘરે આવ્યો ત્યારે સદભાગ્યે જીવનસખી ઘરે નહોતી. એની એક સખીને ત્યાં મિત્રમંડળની બેઠક હતી એમાં જવાને કારણે છેક સાંજે આવશે એવા નિર્દેશવાળી એની ચિઠ્ઠી ટેબલ પર હતી. આ ચિઠ્ઠી વાંચી મને થોડી નિરાંત થઈ. સાંજ સુધીમાં તો આટલું મોંઘું તેલ ખરીદવાનાં કારણો સૂઝી આવશે એમ મને લાગ્યું. આ તેલનું સિંચન થયા – ભેગું જ મગજ વધુ તેજ ગતિએ ચાલવા માંડશે એવી આશા પણ મને બંધાઈ. સામાન્ય રીતે આજનાં કામ કાલ પર ઠેલવાની મારી પ્રકૃતિ છે, પણ આ તેલનો પ્રયોગ ‘આજ આજ ભાઈ અત્યારે’ની ભાવનાથી શીઘ્રાતિશીઘ્ર આરંભવાનો મને વિચાર આવ્યો. તેલનો શીશો લઈ હું બાથરૂમમાં ગયો. જેવો માથા પર તેલનો અભિષેક કરવા અરીસામાં જોઈ મેં હાથને સહેજ વાળ્યો કે તૂટેલા કાચને કારણે એક ચકલું ફર….ર..ર…. કરતું બાથરૂમની બારીમાંથી ઘસી આવ્યું. ચકલાના ઓચિંતા પ્રવેશથી અને સ્પર્શથી મારો હાથ હલી ગયો ને અર્ધો શીશો તેલ માથા પર ઢળી ગયું. માથું આટલા મોટા પ્રમાણમાં તેલ સંઘરી શક્યું નહીં એટલે તેલના રગેડા શરીર પર ઊતર્યા. અણધારી પરિસ્થિતિ ઊભી થતાં થોડીવાર તો શું કરવું તે મને સૂઝ્યું નહીં. માથું ધોઈ નાખું તો અઢીસો-ત્રણસો રૂપિયાની કિંમત જેટલું તેલ એમ જ નિરર્થક વહી જાય – અને ન ધોઉં તો તેલથી તરબતર માથા સાથે સમય વ્યતીત કરવો પડે. આખરે માથું ધોવાનું માંડી વાળી તેલ અને વાળનો સંયોગ અખંડ રાખવાનો મેં નિર્ણય કર્યો.

શરીરે માત્ર ચડ્ડી ધારણ કરી, તેલ-નીતરતા શરીરે હું બાથરૂમની બહાર આવ્યો. વધારે પડતી વર્ષા પછી ક્યારામાં પાણી સમાય નહીં તેમ તેલ મારા અલ્પસંખ્યા વાળમાં સમાતું નહોતું. હાથથી શરીર પરનું તેલ લૂછી લૂછી હું માથા પર ચોપડવા લાગ્યો, પણ અપરિગ્રહવ્રત ધારણ કર્યું હોય તેમ મારું માથું તેલ સંઘરવાનો ઈનકાર કરવા લાગ્યું. આખરે વહી જતાં તેલને રોકવા મેં માથા પર મોટું સફેદ કપડું બાંધ્યું. કપડું બાંધી કાચમાં જોયું તો હું કોઈ પ્રખર સર્વોદય કાર્યકર જેવો શોભી રહ્યો હતો. આટલા બધા તેલને કારણે કદાચ આવતીકાલે જ મારા માથા પર જથ્થાબંધ વાળ ઊગી નીકળશે એવી આશા મને બંધાઈ ! જો કે અતિવર્ષાને કારણે વાવેલું બધું નકામું થઈ જાય છે તેમ અતિ તેલ સિંચનને કારણે મારા રહ્યા-સહ્યા વાળ પણ જતા નહીં રહે ને એવી મને બીક પણ લાગી.

મનની આવી હાલક-ડોલક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ડોરબેલ વાગી. કોણ હશે એવો વિચાર કરતો બારણા પાસે ગયો. કી-હોલ દ્વારા આગંતુકનું દર્શન કરવા પ્રયાસ કર્યો, પણ આગંતુક કી-હોલની સીધી રેખામાં ઊભાં નહોતાં. અલબત્ત, પોશાક પરથી કોઈ સન્નારી છે એટલી ખબર અવશ્ય પડી. પણ તેથી મારી મૂંઝવણમાં ઉમેરો થયો. આવી સ્થિતિમાં કોઈ સન્નારી સમક્ષ ઉપસ્થિત થવાનું એક શિષ્ટ નાગરિક તરીકે મારા માટે શોભાસ્પદ નહોતું અને આંગણે આવેલા અતિથિ માટે દ્વાર ન ખોલવાનું એક ખાનદાન યજમાન તરીકે મારા માટે ઉચિત નહોતું. હું ખરે જ દ્વિધામાં મુકાયો. ત્યાં ફરી ઘંટડી રણકી – ફરી દ્વિધા – બારણું ખોલું ? કે ન ખોલું ? આખરે દ્વાર ખોલી પહેલાં ઝડપથી બાથરૂમમાં ઘૂસી જવું ને બંધ બાથરૂમમાંથી સંવાદ ચલાવો એવો વિચાર કરી મેં દ્વાર ખોલ્યાં….. ને સામે બારણું ખોલવામાં વાર લગાડવા બદલ ઠપકો આપવા તત્પર એવી જીવનસખી ઊભી હતી !

Read Full Post »

એવું કહેવાય છે અને કેટલાંક અંશે આપણે એવું અનુભવ્યું પણ હશે કે પતિ-પત્ની તરીકેના લાંબા સહજીવન બાદ બંનેના ચહેરા જાણે એક સમાન લાગવા લાગે છે. સમાજમાં એવા અનેક પ્રસંગો પણ બને છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એકના મૃત્યુ બાદ તેનો સાથી પણ જાણે તેનો સંગાથ કરે છે. થોડા સમય બાદ એ પણ અનંતની વાટ પકડી પોતાના વિખૂટા પડેલ સાથીને મળવા જાણે તલપાપડ બને છે. ધન્ય છે આવો ગૃહસ્થાશ્રમ અને ધન્ય છે તેનું દામ્પત્યજીવન.

આવનારા દિવસોમાં ભારત કદાચ આવા સમૃદ્ધ ગૃહસ્થ જીવનની ખોટ અનુભવશે. એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન છૂટાછેડાનો દર બમણો થયો છે. ભારતની અનેક સમસ્યાઓ પૈકીની એક નવી અને જેની સૌથી વધારે ચિંતા કરવી ઘટે તેવી સમસ્યા એટલે દેશનું કથળતું જતું પારિવારિક જીવન.

હજારો વર્ષોથી ભારત એક સમૃદ્ધ અને સ્વસ્થ પરિવાર જીવનની પરંપરા ધરાવે છે. લગભગ છસ્સો સાતસો વર્ષની ગુલામી કે વિદેશી વિકૃતિઓના હુમલા પછી પણ આપણી સંસ્કૃતિ અકબંધ રહી હોય તો તેનું સંપૂર્ણ શ્રેય આપણા પરિવાર જીવનને જાય છે. આપણી સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ કે ઘરડાઘરને આજે પણ શરમજનક ઘટના ગણાવામાં આવે છે.

આપણે ત્યાં એમ કહેવાતું કે, ‘‘ધરતીનો છેડો ઘર’’ પણ ઘર એટલે શું? માત્ર ફાઈવસ્ટાર સગવડો અને વર્લ્ડ ક્લાસ સેવાઓનું જ બીજું નામ એટલે ઘર છે ? ના યુવા મિત્રો એ તો માત્ર મકાન છે તેને ઘર તરીકેની ઓળખ મળે છે તેમાં રહેનાર પરિવારજનો દ્વારા અને ભારતીય પરિવારમાં એક દિવસના બાળકથી લઈને કોઈ પણ ઉંમરના વયોવૃદ્ધનો સમાવેશ સહજ છે.

પરંતુ યુવા મિત્રો પરિસ્થિતિ બહુ જ જલદી બદલાઈ રહી છે. સંયુક્ત પરિવારો અને તેની તાકાત જે આજ સુધી ભારતમાં બહુ જ સહજ ઘટના હતી તે હવે સમાચારો કે મેગેઝિનના કવર પેઈજ પર લેવો પડે તેવો સુખદ આશ્ચર્યનો વિષય બનતો જાય છે.

સંયુક્ત પરિવારો ભારતની સમાજરચનામાંથી બહુ જ ઝડપથી અલોપ થઈ રહ્યાં છે. આજ સુધી સ્વતંત્રતાની આપણી પરિભાષામાં આપણને પરિવારજનો નડતા હતા. હવે તેનાથી પણ એક કદમ આગળ ન્યુક્લિયર ફેમિલી એટલે કે વિભક્ત કુટુંબોમાં પતિ-પત્ની એકબીજાને નડી રહ્યા છે. જે ગતિએ સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા એમ લાગે કે લગ્ન લગ્ન ન રહેતા જાણે ગુડ્ડા ગુડ્ડીનો ખેલ માત્ર થઈ ગયો છે.

એવું કહેવાય કે, ‘‘દિવસનો ભુલેલો રાત્રે ઘરે પાછો ફરે છે.’’ પરંતુ જ્યાં પરત આવવાનું છે એ ઘર જ પોતાની ઓળખ ગુમાવી દેશે તો શું થશે ? એક સમજદાર યુવા તરીકે આપણે આ તમામ વિષયોનો વિચાર કરવો પડશે. સમજદારીપૂર્વક વિચાર કરવાની આવશ્યકતા એ છે કે છુટાછેડા એ કોઈ સમસ્યાનું સમાધાન છે કે અનેક નવી સમસ્યાઓની શરૂઆત છે?

એવા અનિવાર્ય કારણોસર કે કોઈ વિકટ પરિસ્થિતિમાં છૂટાછેડા લેવા પડે એ સમજી શકાય. પરંતુ નાની સરખી બાબતોમાં કે જેમાં સ્થિતિને બદલવાની પૂરતી ગુંજાઈશ હોય તેવા સંજોગોમાં માત્ર ને માત્ર પરસ્પરની ઓછી સમજ કે કેવળ અહંભાવના કારણે છૂટાં પડવું એ કોઈ સમાધાનકારી રસ્તો નથી.

‘તું નહીં તો ઔર, સહી ઔર નહીં તો કોઈ ઔર સહી આ ભારતની માટીનો સ્વભાવ નથી. આપણને તે નહીં ફાવે આપણો સમાજ તેને નહીં પચાવી શકે.

શૂન્ય પાલનપૂરીજીએ એક જગ્યાએ બહુ સરસ વાત કરી કિસ્મતમાં કોઈના, કદી એવી ન પ્રીત હો.

જેમાં મિલનના હોઠે જુદાઈના ગીત હો.

દોસ્તો છૂટાછેડા એટલે છુટકારો એ માન્યતા ખોટી છે. છૂટાછેડા પતિ-પત્ની, બાળકો અને તેની સાથે સંબંધિત પક્ષકારોના મન પર લાંબા સમયે પણ ન રુઝાય એવા ઉઝરડા છોડી જાય છે. છુટાછેડા બાદ પતિ કે પત્નીમાંથી કોણ કેટલું સુખી થતું હશે એ તો ભગવાન જાણે પણ તેનો સૌથી વધુ અને સૌથી ખરાબ રીતે ભોગ બને છે બાળકો.

બાળ મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર માતા-પિતાના સંબંધો વચ્ચે આવેલ તનાવની સીધી અસર બાળકોના કોમળ મન પર થાય છે. બાળક કોઈ પણ ઉંમરના તબક્કામાંથી પસાર થતું હોય.

માતાપિતાના છૂટાછેડા જાણે તેના પગ નીચેથી જમીન સરકવા જેવી સ્થિતિ ઊભી કરે છે.

કેટલાક સંજોગોમાં તે આ માનસિક દબાણ સહન ન કરી શકવાના કારણે ભારે ડિપ્રેશનનો પણ શિકાર બને છે. બાળક આ આઘાત સહન કરી પણ લે તો પણ તેનો સામાજિક – માનસિક વિકાસ યોગ્ય નથી થતો અને અભ્યાસમાં પણ તે અન્ય બાળકો કરતાં પાછળ રહી જાય છે. કાચી ઉંમરના બાળમનનો વિશ્વાસ માનવસંબંધો પરથી ઊઠી જાય છે જેથી તે પોતાના જીવનમાં પણ માનવસંબંધો પરત્વે શંકાની નજરે જુએ છે.

છૂટાછેડા મેળવેલ અનેક મહિલાઓનો એવો અનુભવ છે કે ભરણ-પોષણની રકમ તો તગડી મળી ગઈ પણ જીવન વેરવિખેર થઈ ગયું તેનું શું ?

છૂટાછેડા સંદર્ભે થતી વિભિન્ન ચર્ચાઓમાં એક સૂર એવો પણ મળે છે કે આજકાલ મહિલા સશક્તિકરણના કારણે પણ છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. સામે છેડે એવી પણ દલીલ કરવામાં આવે છે કે આજકાલ યુવામન એવું વિચારે છે કે પરિવાર એટલે બંધન, પરિવાર એટલે જવાબદારી, પરિવાર એટલે આપણી વ્યક્તિગત સ્વતંત્રતા પર કાપ માટે પરિવાર સંસ્થામાં તેમનો વિશ્વાસ ઘટવા લાગ્યો છે.

અનેક સમાજસેવી સંસ્થાઓ અને પ્રત્યેક કુટુંબ સલાહ કેન્દ્ર સાથે સંકળાયેલ એક સલાહકારના અનુભવ અનુસાર આજકાલ પતિ-પત્નીમાં સહનશક્તિનો સંપૂર્ણ અભાવ અનુભવાય છે. બાળપણમાં જ માતા-પિતા દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન ન આપી શકવાના કારણે કે પરિવારમાં સંવાદની યોગ્ય વ્યવસ્થા ન હોવા ના કારણે બાળકો દિન-પ્રતિદિન તોછડા કે ઉચ્છંખલ બનતા જાય છે. જે આવનારા દિવસોમાં બાકીની સમસ્યાને જન્મ આપે છે.

પ્રશ્ન ઘણો જ પેચીદો છે. સમાજ ભારે તનાવભરી મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અનેક સગવડતાઓ વચ્ચે પણ સુખ નથી. કાચી ઉંમરથી લઈને સહપરિવાર આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. સમાજ સ્તબ્ધ છે ! જાણે એકબીજાને પ્રશ્ન પૂછી રહ્યો છે કે આપણાં સુખને કોની નજર લાગી ગઈ ?

યુવા દોસ્તો, આ આગ આપણી ખુદની લગાવેલ છે. ભોગવાદી જીવન પદ્ધતિના કારણે આપણે એટલા આત્મકેન્દ્રિત થઈ ગયા છીએ કે આપણે આપણું સુખ કોઈ સાથે વહેચવું નથી. જો આ જ સ્થિતિ રહી તો દુઃખ આવશે ત્યારે કોનો ખભો શોધવા જશો ?

 

સમાજના આ અને આવા અનેક પ્રશ્નો દેશના યુવાઓ તરફ સમાધાનની અપેક્ષાએ જોઈ રહ્યાં છે. આવો એક સાર્થક મનોમંથન કરી સમાજના પ્રશ્નોને એક સુખદ સમાધાન આપીએ

Read Full Post »

« Newer Posts - Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.

Join 279 other followers

%d bloggers like this: